પૂર્વમાં 18, પશ્ચિમમાં 17, દક્ષિણમાં 12, ગ્રામ્યમાં 18, જસદણમાં 11, ગોંડલમાં 9, જેતપુરમાં 11 અને ધોરાજીમાં 14 ઉમેદવારો : આઠેય બેઠકો માટે કુલ 170 ફોર્મ ભરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કાની 89 બેઠકોના ઉમેદવારી ફોર્મ સોમવારે ભરાઈ ચૂક્યાં છે. જેમાં સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારી કરવા માટે જાણે રાફડ઼ો ફાટી નીકળ્યો છે. એમાંય સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં મોટી સંખ્યામાં ઉમેદવારો નોંધાયા છે. જિલ્લાની આઠેય બેઠકોમાં 110 ઉમેદવારોએ 170 ફોર્મ ભર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું પૂર્ણ થયું છે. આજે ચકાસણીનો દિવસ છે રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર 110 ઉમેદવારોએ કુલ 170 જેટલા ફોર્મ ભર્યા છે. જેમાં રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં 18 ઉમેદવારોએ કુલ 28 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 69 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 ઉમેદવારોએ 26 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજકોટ વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર અત્યાર સુધીમાં 12 ઉમેદવારોએ 27 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 71 ગ્રામ્ય બેઠક પર 18 ઉમેદવારોએ અત્યાર સુધીમાં કુલ 25 ફોર્મ ભર્યા છે.
જ્યારે રાજકોટ ગ્રામ્યની બેઠકો પર નજર કરીએ તો જસદણ બેઠક પર 11 ઉમેદવારોએ અત્યાર સુધીમાં કુલ 17 ફોર્મ, ગોંડલ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 9 ઉમેદવારોએ 10 ફોર્મ, જેતપુર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારોએ 16 ફોર્મ તથા ધોરાજી બેઠક પર અત્યાર સુધીમાં કુલ 14 ઉમેદવારોએ 21 ફોર્મ ભર્યા છે.
દક્ષિણ બેઠક ઉપર જીગ્નેશ મૂછડીયા નામના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ
દક્ષિણ બેઠક ઉપર જીગ્નેશ મૂછડીયા નામના અપક્ષ ઉમેદવારનું ફોર્મ આજે ચૂંટણી તંત્ર દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું. તેઓએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના નામે ફોર્મ ભર્યું હતું. જો કે આ પાર્ટીની નોંધણી થઈ ન હોય, નિયમ મુજબ તેઓએ 1 ને બદલે 10 ટેકેદારો રાખવા પડે. પણ તેઓએ 1 ટેકેદાર સાથે ફોર્મ ભર્યું હોય, ચૂંટણી અધિકારી દ્વારા તેઓના ઉમેદવારી ફોર્મને આજે ગેરમાન્ય ઠેરવવામાં આવ્યું હતું.