888 ગૃહસ્થોએ અંબરીશ દીક્ષા ગ્રહણ કરાય: પ્રભુ કેન્દ્રિત જીવનએ ગુરૂહરિના અભિપ્રાયની ભક્તિ: પ્રેમસ્વરૂપ સ્વામિ
બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જુલાઇ-2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવાર હરિધામ તીર્થક્ષેત્ર ખાતે ‘દીક્ષા ઉત્સવ’નું આયોજન થયું હતું. ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન દિન, પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડા પધાર્યા તે હરિ-પ્રેમ આગમન દિન, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રથમવાર ઇ. સ. 1972માં ‘દીક્ષા ઉત્સવ’ યોજ્યો તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ ભગવત્સ્વરૂપ કાકાજી તથા અ. નિ. કોઠારી સ્વામી પુરૂષોત્તમચરણદાસજીના પ્રાગટ્ય દિન – એમ પાંચ અવસરોની એકસાથે ‘પંચામૃત ઉત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉત્સવ દરમિયાન યોજાયેલા દીક્ષા ઉત્સવમાં બાર યુવાનોએ પ્રભુમય અને પ્રભુમાન્ય જીવન જીવવાનો સંકલ્પ કરીને ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતર્ધ્યાન થયા બાદ તેઓના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરનાર અગિયાર યુવાનોમાંથી ચાર એન્જિનિયર છે. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુગકાર્યનો પ્રારંભ સોખડા ગામમાં આવેલાં સ્વામિનારાયણ મંદિરમાં લગભગ ચૌદ વર્ષ સુધી વસવાટ કરીને કર્યો હતો. સંતદીક્ષા લેનાર યુવાનોની શોભાયાત્રા તે પરમ પ્રાસાદિક ભૂમિ પરથી નીકળીને હરિધામ મંદિરે પહોંચી હતી. સુશોભિત બગીઓમાં યુવાનોની સાથે પ. પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી ઉપરાંત પૂ. સંતવલ્લભસ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. હરિપ્રકાશ સ્વામી, પૂ. મુકતીજીવન સ્વામી સહિતના વડીલ સંતો બિરાજ્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તોએ ભક્તિ નૃત્ય અને કીર્તન ભક્તિ દ્વારા વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.
બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું કાયમી નિવાસસ્થાન રહેલ ‘અનિર્દેશ’માં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ત્યાગાશ્રમ ધારણ કરનાર સહુ યુવાનો વતી પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાના સાક્ષી બનેલા સહુ કોઇની આંખ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સ્મૃતિથી છલકી ઉઠી હતી. સાંજે અંબરીશ દીક્ષા પ્રદાન માટેની મહાપૂજા યોજાઇ હતી. જેમાં 888 ગૃહસ્થોએ અંબરીશ દીક્ષા ગ્રહણ કરી હતી. પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ગુરૂમંત્ર આપ્યો હતો અને વડીલ સંતોએ કંઠી, પૂજા, જનોઈ વગેરે અર્પણ કર્યાં હતાં. તે જ રીતે અગિયાર યુવાનોને પાર્ષદ દીક્ષા પ્રદાન માટેની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. પરંપરા પ્રમાણે પ. પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ગુરુમંત્ર આપીને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યું હતું. જ્યારે સંતભગવંત મહારાજે પાઘ ધારણ કરાવી હતી. પૂજ્ય નિર્મળ સ્વામીએ પૂજા અને અન્ય વડીલ સંતોએ જનોઈ, કંઠી, માળા વગેરે અર્પણ કર્યાં હતાં.
આ પ્રસંગે આશીર્વચન આપતાં સંત ભગવંત જસભાઈ સાહેબજીએ કહ્યું હતું કે, આજે હૈયામાં ખૂબ આનંદ છે. હરિપ્રસાદ સ્વામીજીનું યુગકાર્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી દ્વારા આગળ વધી રહ્યું છે. સાહેબજી મહારાજે ઉમેર્યું હતું કે, ભગવાન સર્વોપરી છે, કર્તાહર્તા છે, સદા સાકાર અને પ્રગટ છે. તેમાં જોડાવું તે આપણી ભક્તિ છે. સબંધવાળાની મહાત્મ્યયુક્ત સેવા કરવી તે આપણી સાધના છે. જાહેરમંચ ઉપર એકબીજાને આવા ભાવથી મળે છે ત્યારે કાંઇ સારૂં લગાડવા માટે કે લોકોમાં સારૂં દેખાડવા માટે એ એવી રીતે નથી મળતા. એમને મન કોઈ જુદાપણું જ નથી. ત્યારે નરસિંહ મહેતાએ કરેલી કલ્પના ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે’નું આપણને તાદ્રશ્ય દર્શન થાય છે. આવાં પ્રગટ બ્રહ્મસ્વરૂપોના ખોળામાં ઉછરવાનો આપણને મોકો મળ્યો એ ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા છે.
પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ તેમનાં પ્રવચનમાં ભગવાન સ્વામિનારાયણથી લઈને સહુ આરાધ્ય સત્પુરુષોનાં સદ્રષ્ટાંત જીવનદર્શન કરાવવાની સાથે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાય પ્રમાણેની ભક્તિ કરવા સહુનું આહવાન કર્યું હતું.પંચામૃત મહોત્સવમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આ અવસરના સાક્ષી બન્યા હતા.