હાય રે… વિકાસ!!!
ઓનલાઈન પોર્ન વિડીયો પર લગામ લગાવવાની તાતી જરૂરિયાત: બાળકો વિકૃત બની રહ્યાનું મોટું ઉદાહરણ
આસામના નાગાંવ જિલ્લામાં ૧૧ વર્ષની વયના બે કિશોરોએ તેમના માતાપિતાના મોબાઇલ ફોનનો ઓનલાઇન વર્ગો માટે ઉપયોગ કરતી વખતે પોર્ન એડિકટ બન્યા હતા. પોર્નમાં જોયેલા વિડિયોની નકલ કરવા કથિત રીતે છ વર્ષની બાળકીને જાતીય કૃત્યો કરવા જતા બાળકીએ વિરોધ કરતા બાળકોએ પથ્થર મારી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બદલ બંને બાળકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે કથિત રીતે છોકરીની હત્યા કરવામાં મદદગારી કરવા બદલ અન્ય આઠ વર્ષના બાળકની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુનાને છુપાવવા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે એક બાળકના પિતાની પણ ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર કાલિયાબોરમાં પથ્થર પીસવાના પ્લાન્ટના શૌચાલયની અંદરથી બેભાન હાલતમાં એક બાળકીની લાસ મળી આવી હતી. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના ૧૮ ઓક્ટોબરે બની હતી અને પોલીસે બુધવારે બંને બાળકોની ધરપકડ કરી હતી. નાગાંવના પોલીસ અધિક્ષક આનંદ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ કિસ્સામાં પરેશાન કરનારી બાબત સગીરો દ્વારા અશ્લીલતાનો ઉપયોગ હતો.
બે છોકરાઓએ પહેલા તેમના મોબાઇલમાં જોયેલા અશ્લીલ કૃત્યોની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેમના પાડોશમાં રહેતી બાળકીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો અને તેના માતાપિતાને કહેવાની ધમકી આપી, ત્યારે બાળકોએ બાળકીના માથામાં પથ્થર મારી દીધો હતો. જે બાદ બાળકીને ક્રશર પ્લાન્ટના શૌચાલયમાં લઈ ગયા હતા, જ્યાં ફરીથી તેની છાતી પર પથ્થર માર્યો હતો. ત્રીજું બાળક શૌચાલયની બહાર ઉભો હતો.
હાલ ઓનલાઈન પોર્ન વિડીયો ઉપર લગામ લગાવાની તાતી જરૂરિયાત છે તેવું આ ઘટના પરથી ચોક્કસ કહી શકાય છે. અગાઉ આ પ્રકારની સાઇટ્સ ઉપર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ તેની અમલવારી કારગર સાબિત થઈ શકી નહીં. બીજી બાજુ ઓનલાઈન શિક્ષણ માટે માતા-પિતા બાળકને મોબાઈલ આપે છે ત્યારે બાળક મોબાઈલનો ઉપયોગ કંઈ રીતે કરે છે તેની કાળજી લેવાની જવાબદારી પણ માતા-પિતાની છે.