અનેક શાળાઓમાં ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને ખુલ્લામાં ભણવું પડતું હતું, સમસ્યા નિવારવા સરકારે રૂપિયા 937 કરોડ ફાળવ્યા
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં જર્જરીત શાળાના ઓરડા અને ઓરડાની ઘટને લઇને વિપક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં પણ સરકારને ઘેરવામાં આવી હતી. શાળામાં ઓરડાની ઘટને લઇને ધારાસભ્યો દ્વારા પણ પોતાના મતવિસ્તારની રજૂઆત શિક્ષણ મંત્રીને અવાર નવાર કરવામાં આવે છે. રાજ્ય શિક્ષણ વિભાગે મળેલી રજૂઆત મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં 11000 ઓરડા તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓરડા પાછળ થનાર ખર્ચ બાબતે બજેટમાં પણ 937 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એકસીલન્સ હેઠળ નવા ઓરડા તૈયાર કરવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી પ્રમાણે સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં ઓરડાની ઘટ જોવા મળી છે. બનાસકાંઠામાં 1553, કચ્છ 885, ખેડા 1089,પંચમહાલ 1209, ભાવનગર 966, સાબરકાંઠા 941 ઓરડાની ઘટ જોવા મળી છે. સરકારને મળેલી રજૂઆત મુજબ સરકારી શાળામાં ઓરડાની ઘટ હોય અથવા જર્જરીત હોય ત્યાં નવા ઓરડા તૈયાર કરવા માટે તત્કાળ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામમાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડિડોર દ્વારા ઓરડાની ઘટ હોય અથવા જર્જરીત ઓરડા હોય તેવી શાળાની વિગત માગવામા આવી હતી. આ વિગત આધારે રાજયમાં આ વર્ષે 11000 ઓરડા નવા બનાવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં હાલ કેટલીક એવી સ્કૂલો છે. જ્યાં વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યુ છે. પરંતુ નવુ સત્ર શરૂ થાય તે પહેલા શાળામાં ઓરડા તૈયાર કરવામાં આવે તે પ્રકારનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 2500 જેટલી શાળામાં જર્જરીત ઓરડાનું સમારકામ અથવા નવનિર્માણ કરવાનું કામ પૂર્ણ કર્યુ છે. હવે 11000 નવા ઓરડા બનાવાની કામગીરી હાથ ધરવામાં આવશે.