- ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન વિવિધ નવોદય વિદ્યાલય સમિતિના માધ્યમથી ફૂટબોલના વિતરણ પર દેખરેખ રાખશે અને સંકલન કરશે
શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એ સમગ્ર ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વાકાંક્ષી કાર્યક્રમ ‘ફૂટબોલ ફોર સ્કૂલ્સ’ નો પ્રારંભ કર્યો છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન વિવિધ નવોદય વિદ્યાલય સમિતિ (સમિતિઓ) ના માધ્યમથી ફૂટબોલના વિતરણ પર દેખરેખ રાખશે અને સંકલન કરશે.કાર્યક્રમ હેઠળ ગુજરાતના 33 જિલ્લાની શાળાઓ ટૂંક સમયમાં ફૂટબોલ મેળવશે. ગુજરાતની વિવિધ નવોદય વિદ્યાલય સમિતિ ગુજરાતમાં 10,600 ફૂટબોલનું વિતરણ કરશે. ગુજરાતમાં ફૂટબોલના વિતરણનો કાર્યક્રમ એનવીએસ દ્વારા 31મી જાન્યુઆરી 2024ના રોજ 33 એનવીએસ ખાતે યોજાશે. વિવિધ જિલ્લાના જીએસએફ ના સભ્યો એઆઈએફએફના પ્રતિનિધિ તરીકે વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે.
અગાઉ 30 ઓક્ટોબર 2022ના રોજ શિક્ષણ મંત્રાલય, એઆઈએફએફ અને ફિફા વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જવાહર નવોદય વિદ્યાલયને એફ ફોર એસ કાર્યક્રમ માટે નોડલ સંસ્થા બનાવવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં લગભગ 700 મિલિયન બાળકોના શિક્ષણ, વિકાસ અને સશક્તિકરણમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે સંબંધિત સત્તાવાળાઓ અને હિતધારકો સાથે ભાગીદારીમાં, શિક્ષણ પ્રણાલીમાં ફૂટબોલ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને છોકરાઓ અને છોકરીઓ બંને માટે ફૂટબોલને વધુ સુલભ બનાવવા માંગે છે.