વેસ્ટ ઝોનમાં ૪ અને સેન્ટ્રલ ઝોનમાં ૪ મિલકતોને તાળા લગાવાયા: ઈસ્ટ ઝોનમાં ૨૨ મિલકતો સામે સીલીંગ કાર્યવાહી હાથ ધરાતા રૂ.૧૬.૫૧ લાખની વસુલાત
કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાર્ડ રીકવરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાધુ વાસવાણી રોડ, બજરંગવાડી અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ૧૧ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૨૨ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોએ ધડાધડ વેરો ભરપાઈ કરી દીધો હતો.
શહેરના સેન્ટ્રલઝોન વિસ્તારમાં વોર્ડ નં.૨માં બજરંગવાડી સર્કલ પાસે પુનમ કોમ્પલેક્ષમાં દુકાન નં.૧૦૭, ૧૦૯, ૧૧૦ અને ૧૨૧ને સીલ કરવામાં આવ્યા હતા. વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડીંગમાં દુકાન નં.૭ અને ૫૦૭ને સીલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૮માં કાદમગીરી કોમ્પલેક્ષમાં માલિકના નામે નોંધાયેલી એક બિનરહેણાંક હેતુની મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર વન વાટીકા એપાર્ટમેન્ટમાં માટેલ ડેવલોપર્સના નામે નોંધાયેલા ફલેટનો રૂ.૩૫,૨૮૪ વેરો બાકી હોય મિલકત સીલ કરી દેવામાં આવી હતી. જયારે બાલાજી કોમ્પલેક્ષમાં મણીબેન વાછાણી નામના આસામી પાસેથી રૂ.૬૬,૩૩૪નો વેરો વસુલવા મિલકત સીલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનમાં કુલ ૪ મિલકતો સીલ કરાઈ હતી.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજી જીઆઈડીસી, પટેલનગર, દુધસાગર રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં ૨૨ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોએ ધડાધડ વેરો ભરપાઈ કરી દીધો હતો. બપોર સુધીમાં ૧૬.૫૧ લાખની આવક થવા પામી છે.