- મૃતકોમાં 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ : લુધિયાણા આંકડાઓની પુષ્ટિ કરી
પંજાબના લુધિયાણામાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઝેરી ગેસ લીક થવાથી 5 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ લોકો બેહોશ થઈ ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર બાદ બચાવી શકાયા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે. લુધિયાણાના જિલ્લા કલેક્ટર સુરભી મલિકે આ આંકડાઓની પુષ્ટિ કરી છે.
ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ડીસી સુરભી મલિકે કહ્યું, ‘લોકોએ ગભરાવાની જરૂર નથી. એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ગટરના ગેસના કારણે આવું બન્યું છે. હાલ વિગતો માટે તપાસ ચાલી રહી છે. મેઈન હોલમાંથી સેમ્પલ લેવાઈ રહ્યા છે કે કયા કેમિકલ સાથે રિએક્શન કર્યા બાદ આ જીવલેણ ગેસ બહાર આવ્યો? હાલ કોઈપણ પ્રકારની પાઈપલાઈન ફાટવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. સુરક્ષાની દૃષ્ટિએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
બીજી તરફ પંજાબના સીએમ ભગવંત માન પણ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. તેઓ અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ્સ લઈ રહ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને માત્ર પસંદગીના લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
થોડા સમય પહેલા ટ્વીટ કરતા સીએમએ કહ્યું હતું કે, ‘લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. બાકીની માહિતી ટૂંક સમયમાં. ઝેરી ગેસ લીકેજના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટરો પણ શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.