ડો.સી.જે. ચાવડાને દંડક બનાવાયા: ચાર ધારાસભ્યોને ઉપદંડક પદ, એક ખજાનચી, એક મંત્રી અને ચાર પ્રવક્તા
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. માત્ર 17 બેઠકો પ્રાપ્ત થઇ છે. વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનું પદ પણ આપ્યુ નથી. છતા કોંગ્રેસના નેતા અમિતભાઇ ચાવડા દ્વારા 11 ધારાસભ્યોની અલગ-અલગ પદ માટે નિયુક્તી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ગઇકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પદ માટે નિયુક્ત કરવામાં આવેલા હોદ્ેદારોના નામોની યાદી સુપરત કરી છે. જેમાં વિધાનસભામાં કોંગ્રેસના દંડક તરીકે ડો.સી.જે.ચાવડાની, ઉપદંડક તરીકે ડો.કિરીટભાઇ પટેલ, વિમલભાઇ ચુડાસમા અને ઇમરાનભાઇ ખેડાવાળાની નિયુક્તી કરવામાં આવી છે. ખજાનચી તરીકે દિનેશભાઇ ઠાકોર મંત્રી તરીકે કાંતિભાઇ ખરાડી, પ્રવક્તા તરીકે ડો.તુષારભાઇ ચૌધરી, જીજ્ઞેશભાઇ મેવાણી, ગેનીબેન ઠાકોર અને અનંતભાઇ પટેલની નિયૂક્તી કરવામાં આવી છે.
ગૃહમાં કોંગ્રેસ પાસે 10 ટકાથી ઓછું સભ્ય સંખ્યા બળ હોવાના કારણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં આપવાનો નિર્ણય લીધો છે. હવે તેઓની દ્વારા નિયૂક્તી કરવામાં આવેલા હોદ્ેદારોને પણ માન્યતા આપવામાં ન આવે તેવી સંભાવના જણાય રહી છે.