મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી: રોડ ઉપર બોટ લઈને નિકળવું પડે તેવી સ્થિતિ

તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં મેઘપ્રકોપના કારણે ૧૧ જેટલા લોકોના મોત નિપજી ચૂકયા છે. હૈદરાબાદ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો હોવાથી જળપ્રલય આવે તેવી દહેશત છે. અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂકયા છે. કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર અને બાઈક સહિતના વાહનો તણાઈ ચૂકયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા હતા.

ભારે વરસાદના કારણે થયેલી તબાહીમાં રાહત આપવા બચાવ કામગીરી શરૂ થઈ ચૂકી છે. હૈદરાબાદના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના કારણે જાનમાલને મોટા પ્રમાણમાં ક્ષતિ પહોંચી છે. માત્ર ૨૪ કલાકમાં જ મેઘરાજાએ હૈદરાબાદને તહસ-નહસ કરી નાખ્યું છે. રોડ-રસ્તા ઉપર બોટ ચલાવી પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે.

આ વરસાદમાં ૧૧ લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. માત્ર હૈદરાબાદ જ નહીં પરંતુ ઓરીસ્સામાં પણ ભારે વરસાદના પગલે જનજીવન ઉપર અસર થઈ છે. હૈદરાબાદના બંદલાગુડા નજીક એક દિવાલ પડવાથી ૯ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ભારે વરસાદના પગલે અનેક જર્જરીત મકાનો તૂડી પડ્યા છે. અટ્ટાપુર મેઈન રોડ, મુસીરાબાદ, ટોલીચોકી, દમીગુડા સહિતના હૈદરાબાદના વિસ્તારો પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. વરસાદના પગલે ઉસ્માનીયા યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. માત્ર હૈદરાબાદ જ નહીં પરંતુ તેલંગણાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ઉપર અસર પડી છે. બચાવ કામગીરી પુરજોશમાં શરૂ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.