- જંગલેશ્વરના દાનિશે હિન્દી ભાષી શખ્સ પાસેથી જથ્થો મેળવી હબીબને ડિલિવરી આપવા જણાવ્યું’તું
રાજકોટ શહેરમાંથી વધુ એકવાર યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નશીલા પદાર્થની પેડલરને ડિલિવરી મળે તે પૂર્વે જ પોલીસે 11 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઇ સગીરને અટકાયતમાં લીધો છે. સગીરની પૂછપરછમાં અન્ય ત્રણ લોકોના નામ ખુલતા ભક્તિનગર પોલીસે ત્રિપુટીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
જંગલેશ્વર વિસ્તારમાંથી 17 વર્ષીય સગીર 11 કિલો ગાંજા સાથે ઝડપાયો છે. ગાંજાના મામલામાં વધુ ત્રણ શખ્સના નામ ખૂલતાં પોલીસે ત્રિપુટીની શોધખોળ શરૂ કરી હતી. જંગલેશ્વર શેરી નં.9માંથી એક શખ્સ સ્કૂટર પર માદક પદાર્થના જથ્થા સાથે નીકળવાનો હોવાની હકીકત મળતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એમ સરવૈયા સહિતની ટીમે વોચ ગોઠવી હતી અને નિયત નંબરનું સ્કૂટર પસાર થતાં જ તેને અટકાવ્યું હતું. પોલીસે સ્કૂટરચાલક 17 વર્ષીય સગીરના કબજામાં રહેલો થેલો ચેક કરતાં તેમાંથી રૂ.1.10 લાખની કિંમતનો 11 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજો અને સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સગીરની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સગીરની પૂછપરછમાં એક એક પરપ્રાંતીય હિન્દીભાષી શખ્સે 11 કિલો ગાંજો જંગલેશ્વરના હબીબ હારુન ખિયાણીને આપવા માટે આપ્યો હતો અને દાનીશ ઉર્ફે ભગો હનીફ માજોઠીએ સગીરને આ ગાંજો હિન્દી ભાષી શખ્સ પાસેથી લઈને ડિલિવરી હબીબ હબીબ હારૂન ખીયાણીને પહોંચાડવાનું જણાવ્યું હતું. પરપ્રાંતીય પાસેથી મળેલો માદક પદાર્થનો જથ્થો બંને ઇસમ સુધી પહોંચે તે પહેલા પોલીસે સગીરને ઝડપી લીધો હતો.
પોલીસે હવે ઉપરોક્ત ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તપાસમાં અલગ અલગ ટીમોએ ઝુકાવ્યું છે. હબીબ અને દાનિશના ગુન્હાહિત ઇતિહાસ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. ઉલ્લેખનીય બાબત છે કે, જે રીતે સગીરના કબ્જામાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે ત્યારે ડ્રગ્સ પેડલરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. હવે ડ્રગ્સ પેડલર પોલીસથી બચવા સગીરોને પૈસાની લાલચ આપી તેમનો ઉપયોગ ડ્રગ્સ કેરિયર તરીકે કરી રહ્યા છે તેવું સ્પષ્ટ છે. જે સગીરની ધરપકડ કરવામાં આવી છે તે ડ્રગ્સ પેડલરોનો કોઈ સંબંધી કે પરીવારજન નથી જેથી આ સગીરને પૈસા કે અન્ય કોઈ લાલચ આપીને તેનો ઉપયોગ કેરિયર તરીકે કરવામાં આવતો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.