ત્રણ બોટલ દારૂ ખાલી કર્યા બાદ પોલીસ પહોંચી: ચાર કાર સહિત રૂ.૧૯ લાખનો મુદામાલ કબ્જે
કોરોના વાયરસના કારણે લાંબા સમય સુધી લોક ડાઉન હોવાથી ગુજરાતમાં ખરા અર્થમાં નશાબંધીનો અમલ થયો હોવાથી દારૂના બંધાણીને દારૂનો છાટો મળ્યો ન હોવાથી બેબાકળા બન્યા હતા અને ગત તા.૧ જુનથી વાઇન શોપ ખુલતાની સાથે જ શરાબ શોખીનો ગરીબ પરિવારનો મોભી રેશનીંગની વસ્તુ લેવા લાઇનમાં ઉભો રહે તેમ લાંબી લાઇન લગાવી દીધી છે. લીકર પરમીટ ધરાવતા વ્યશનીઓએ લાંબા સમય બાદ હાથમાં આવેલી દારૂની બોટલ સાથે નશો કર્યા વિના જ ઝુમી ઉઠયા હોય તેમ કેટલાક ઉદ્યોગપતિઓ અને નબીરાઓએ ઢોલરા પાસેના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ યોજતા શાપર પોલીસે દરોડો પાડી ૧૧ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લેતા તમામનો નશો ઉતરી ગયો હતો. પોલીસે નશો કરવા ઉપરાંત લોક ડાઉન અંગેના જાહેરનામા ભંગનો ગુનો નોંધતા પોલીસ પર ભલામણનો દોર મોડીરાત સુધી ચાલુ રહ્યો હતો.
શહેરના ચંદ્રેશનગરમાં રહેતા કારખાનેદાર સુનિલસિંહ નવલસિંહ ભટ્ટીના કોઠારિયા રોડ પરના ઢોલરા નજીક આવેલા ફાર્મ હાઉસમાં રાત્રીના લોક ડાઉનનો ભંગ કરી ૧૧ જેટલા શખ્સોને પોતાના ફાર્મ હાઉસમાં એકઠાં કરી મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ, એએસઆઇ જે.બી.રાણા અને રોહિતભાઇ બકોત્રાએ દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન ચંદ્રેશનરના સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી, નાનામવા રોડ ફુલવાડી પાર્કના રાકેશ પ્રવિણ દુદાણી, મવડી રામધણ પાસે રહેતા જીજ્ઞેશ ધર્મેશ દુદાણી, ચિત્રકૂટધામના સમિર રતિલાલ જીવાણી, રંગોલી બંગલામાં રહેતા ધર્મેશ રમેશ દુધાત્રા, રામનગરના અજય જયસુખ ટાંક, બાપા સિતારામ ચોકના હરેશ ધીરૂ દુધાત્રા, નવલનગરના અજય લાલજી રામાણી, મવડી મેઇન રોડના કિશોર પાંચા સોરઠીયા, નંદકીશોર સોસાયટીના હિતેશ શૈલેષ વરમોરા અને નંદનવન સોસાયટીના અજીત જીલુભાઇ વાંક નામના શખ્સોને નશો કરેલી હાલતમાં ધરપકડ કરી છે.
પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો પાડતા નશો કરેલા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી. અને તમામને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા ત્યારે પોલીસ અધિકારીઓ પર રાજકીય અગ્રણીઓ દ્વારા ભલામણનો દોર શરૂ કરાયો હતો.
પોલીસે ઘટના સ્થળેથી દારૂની ત્રણ ખાલી બોટલ, રેડ બ્લુ એનર્જી ડ્રિન્કસ બે બોટલ, બીસ્લેરી સોડા બે બોટલ, કાચના નવ ખાલી ગ્લાસ, ચવાણું અને વેફસ અને ચાર કાર મળી રૂા.૧૯ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.