• કાનમેરમાં ‘મોતના ખાડા’માં નાહવા પડેલા 7 પૈકી 5ને બચાવી લેવાયા, 2 જળમગ્ન
  • 20 વર્ષીય પરિણીતા અને 16 વર્ષીય કિશોરના મોત : તરવૈયા કાનાભાઇ સ્થળ પર દોડી જઇ પોતાના જીવની પરવા કર્યા વિના ડુબતા લોકોના તારણહાર બન્યા

ગણેશ વિસર્જનના દિવસે રાજકોટ અને કચ્છમાં ડૂબી જવાનાં અલગ અલગ ત્રણ બનાવ બનવા પામ્યાં છે. જે ત્રણેય બનાવોમાં અલગ અલગ કારણોસર કુલ 11 લોક ડૂબ્યા હતા. જે પૈકી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 4 લોકોના કરુણ મોત થવા પામ્યાં છે. ત્રણેય બનાવ પૈકી કચ્છના કાનમેરમાં મોતના ખાડા સમાન પથ્થરની ખાણમાં નાહવા પડેલા સાત લોકો પૈકી 2ના મોત થતાં અરેરાટી મચી જવા પામી છે. જયારે અન્ય બે બનાવ રાજકોટ શહેરમાં સામે આવ્યા છે. જે બંને બનાવોમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો કચ્છના રાપર તાલુકાના કાનમેરમાં પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાઈ જતા તેમાં ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ સાતેક લોકો નહાવા પડ્યા હતા પરંતુ અચાનક 7 જણા ડૂબવા લાગ્યા હતા, એ સમયે કાનમેર રહેતા કાનાભાઇએ જીવના જોખમે 5 જીંદગી તો બચાવી લીધી હતી પરંતુ 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોરનું મોત નિપજતાં ગામમાં શોક ફેલાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં થયેલા ખનન બાદ પડેલા ખાડામાં હાલમાં જ વરસેલા વરસાદના પાણી ભરાતાં ખાડો તળાવમાં ફેરવાયો હતો. આ પાણી ભરેલા ખાડામાં ગઈકાલે બપોરે બાળકો અને કપડા ધોવા આવેલી મહીલાઓ નહાવા પડ્યા હતા. બે વાગ્યાના અરસામાં અચાનક 7 લોકો ડૂબવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ગાગોદર પીઆઇ સેંગલ ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. તો આ ઘટના સમયે બુમો સાંભળી નજીકમાં જ રહેતા અને પતરાનું કામ કરી રહેલા કાનમેરના તરવૈયા કાનાભાઇ પૂંજાભાઇ ચાવડાએ પોતાનો જીવ જોખમમાં મુકી ડૂબી રહેલા 15 વર્ષીય અરમાન સુલેમાન ધુના, 40 વર્ષીય હસીનાબેન સુલેમાન ધુના, 20 વર્ષીય ફરિદાબેન હબીબ ધુના, 40 વર્ષીય કારીબેન હબીબ ધુના અને 17 વર્ષીય ખતીજાબેન રસુલનેને હેમખેમ બહાર કાઢ્યા હતા.

જોકે 20 વર્ષીય શહેનાઝ સુલેમાન ધુના અને 16 વર્ષીય ફારૂક હબીબ ધુના ડૂબી જતાં બન્નેના જીવ ગયા હતા. બન્નેના મૃતદેહ કાઢી પીએમ માટે પલાસવા સીએચસી લઇ જવાયા હતા. આ ઘટનાથી પરિવાર સાથે ગામમાં પણ શોક ફેલાયો હતો. ખનિજ ખનનથી પડેલા ખાડામાં પાણી ભરાતાં આ દૂર્ઘટના સર્જાઇ છે ત્યારે જવાબદારો સામે પગલા લેવાય તેવી માંગ પણ રોષ સાથે ઉઠી હતી.

આજીડેમ પાસેની ખાણમાં માનસિક બીમાર આધેડનું ડૂબી જવાથી મોત

રાજકોટના આજી ડેમ નજીક ખાણમાં અજાણ્યા આધેડની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આધેડનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજી ડેમ પોલીસે તપાસ કરતાં મૃતક આધેડ આજી ડેમ ચોકડી નજીક જયનગરમાં રહેતા મુકેશભાઈ ભનુભાઈ ડોડિયા (ઉ.વ.40) હોવાનું બહાર આવતા આજીડેમ પોલીસમથકના જમાદાર ધનરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડની માનસિક બીમારીની સારવાર સિવિલમાં ચાલી રહી હોય અને મગજ અસ્થિર હોવાથી તેમણે પગલું ભર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્રી છે અને બનાવને પગલે પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

ત્રંબા ત્રિવેણી સંગમમાં રૂખડિયાપરાના ત્રણ તરુણ ડૂબ્યા, એકનું મોત

તહેવારો શાંતિપૂર્વક ઉજવણી કરવા અને પરિવાર સહિત માણવા માટે હોય છે, જ્યારે કેટલાક લોકો અતિ ઉત્સાહના કારણે દુઘટર્નાને નોતરું આપે છે. તાજેતરમાં ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના ન સર્જાઇ તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવે છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી શહેરના અમુક ભયજનક સ્થળો પર જવાનો ખાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ ક્યારેક લોકો તેના અતિ ઉત્સાહને કારણે નિયમોનું પાલન નહીં કરી આફત નોતરે છે. એવો જ એક બનાવ રાજકોટ શહેરની ભાગોળે બનવા પામ્યો હતો. શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ત્રણ તરુણો ત્રંબા નદીમાં વિસર્જનની મંજૂરી નહીં હોવા છતાં ત્યાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા. વિસર્જન માટે 20 જેટલા લોકોમાંથી ત્રણ તરુણો અચાનક ડૂબી જતાં ત્રણેયનું રેસક્યું કરાયું, ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં એકનું મોત થતાં આજીડેમ પોલીસ સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના રૂખડિયાપરામાંથી મંગળવારે બપોરે 2 વાગ્યે વાહનમાં ગણપતિજીની પ્રતિમા મૂકી વિસર્જન માટે ધામેધૂમે 20 જેટલા લોકો ગયા હતા અને વિસર્જન અર્થે ત્રંબા નદીકાંઠે પહોંચ્યા અને નદીમાં ઊંડા પાણીમાં ઉતર્યા હતા, જેમાં લક્કી અશોકભાઈ મકવાણા (ઉ.વ.14),

રાહુલ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.15) અને સૂરજ મિતભાઈ (ઉં.વ.19) ડૂબવા લાગ્યા હતા. એક સાથે ત્રણ તરુણ નદીમાં ડૂબવા લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઝંપલાવી ત્રણેયને બહાર કાઢી લીધા હતા. જોકે લક્કી અને રાહુલ લાંબી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા બાદમાં ત્રણેય તરુણને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવારમાં લક્કી મકવાણાનું મોત નીપજતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.