- શુક્રવારથી જણસીની ઉતરાય બંધ પડત્તર માલ હશે તો હરાજી ચાલુ રખાશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આગામી શુક્રવારથી સળંગ 11 દિવસ એટલે કે 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડીંગની રજા રહેશે. 22મી માર્ચ યાર્ડમાં નવી કોઇ જણસીની ઉતરાય કરવામાં આવશે નહીં. જો માલ પડતર હશે તો તેની હરાજી હાથ ધરવામાં આવશે. ખેડૂતોને શુક્રવારથી જ માલ લઇ ન આવવા તાકીદ કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરાના જણાવ્યાનુસાર દર વર્ષ યાર્ડમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં વાર્ષિક હિસાબોના કામ પુરા કરવા માટે રજા રાખવામાં આવતી હોય છે. આગામી 22મી માર્ચથી 1 એપ્રિલ સુધી રાજકોટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજા રહેશે. આગામી શુક્રવારથી ખેડૂતોની કોઇ જણસીની યાર્ડમાં ઉતરાય કરવા દેવામાં આવશે નહીં. જો કોઇ માલ હરાજી વિનાનો પડ્યો હશે તો શુક્રવારે તેની હરાજી ચોક્કસ હાથ ધરવામાં આવશે. શનિવારથી યાર્ડ સંપૂર્ણપણે બંધ થઇ જશે.
વેપારીઓ નાણાકીય વર્ષના હિસાબ કિતાબોની કામગીરી જ કરશે. 1-એપ્રિલ ના રોજ બેંકો બંધ રહેતી હોવાના કારણે યાર્ડ પણ બંધ રહેશે. બીજી એપ્રિલથી ફરી યાર્ડ ધમધમતું થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 10 દિવસમાં પાંચ દિવસ જાહેર રજા આવતી હોવાના કારણે બે વાર મિની વેકેશન જેવો માહોલ સર્જાશે.