ઢોર ડબ્બાનું સંચાલન કરતી સંસ્થા અને કોર્પોરેશનની બેદરકારીના કારણે પશુઓ મોતને ભેટી રહ્યાનો માલધારીઓનો આક્ષેપ

શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે આવેલા કોર્પોરેશનના ઢોર ડબ્બામાં છેલ્લા બે દિવસમાં 11 પશુઓના મોત નિપજ્યા છે. તમામને સોખડા ડમ્પીંગ સાઇટ ખાતે દફનાવી દેવામાં આવ્યા છે. ઢોર ડબ્બાનું સંચાલન કરતી સંસ્થા અને કોર્પોરેશનની બેદરકારીના કારણે પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા હોવાનો આક્ષેપ માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર રખડતાં ઢોરને કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા પકડીને 80 ફૂટ રોડ પર આવેલા ઢોર ડબ્બે રાખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન સામે આક્ષેપો થતા હોવાથી ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ઘર નામની સંસ્થાને સોંપવામાં આવ્યું છે. ગઇકાલે ઢોર ડબ્બા ખાતે ચાર વાછરડાં-ગાયના મોત નિપજ્યા બાદ આજે સવારે વધુ સાત ગૌવંશના મોત નિપજતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

માલધારી સમાજના અગ્રણી રણજીતભાઇ મુંધવાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે ઢોર ડબ્બે પશુઓને નિર્દયતા પૂર્વક રાખવામાં આવે છે. એક પશુને રોજ 20 કિલો ઘાસચારાની જરૂરિયાત રહે છે. જેની સામે એક કિલો પણ ઘાસ આપવામાં આવતું નથી. છેલ્લા બે દિવસમાં 11 પશુઓનું મોત થયા છે. જેને ટ્રેક્ટરમાં ભરી સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે દફનાવી દેવાયા છે. રિબાઇ-રિબાઇને પશુઓ મોતને ભેટી રહ્યા છે.

છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. બીજી તરફ ઢોર ડબ્બાનો હવાલો સંભાળતા કોર્પોરેશનના અધિકારી ડો.જાકાસણીયાએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બા ખાતે હાલ 1750 પશુઓ વસવાટ કરી રહ્યા છે. રોજ એક ટકા પશુઓના મોત નિપજતા હોય છે. ઢોર ડબ્બા ખાતે છેલ્લા બે દિવસમાં ચાર વાછરડાં અને સાત ગાયના મોત નિપજ્યા છે. જે ખૂબ જ કુપોષિત અને રોગીષ્ટ હોવાના કારણે મોતને ભેટ્યા છે. ઢોર ડબ્બાનું સંચાલન કરતી સંસ્થા જીવદયા ઘર દ્વારા પુરતો ઘાસચારો આપવામાં આવતો ન હોવાના કારણે મોત નિપજ્યા હોવાની વાત ખોટી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.