- નટરાજનગર અને વાવડી વિસ્તારમાં ડિમોલીશન: રૂ.13.28 કરોડની 1563 ચોરસ મીટર જમીન ખુલ્લુ કરાવાય
કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગઇકાલે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલીશનમાં ટીપીના અનામત પ્લોટ અને ટીપી રોડ પર ગેરકાયદે ખડકાયેલા 11 પાક્કા મકાનો અને એક મંદિરના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂ.13.28 કરોડની 1563 ચોરસ મીટર જમીન ખુલ્લુ કરાવવામાં આવી હતી.
નાયબ મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીના આદેશ બાદ વેસ્ટ ઝોન કચેરીના સિટી એન્જીનીંયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટીપીના અનામત પ્લોટ અને ટીપી રોડ પર ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વોર્ડ નં.9માં રૈયા વિસ્તારમાં સાધુ વાસવાણી રોડ પર ટીપી સ્કિમ નં.4 રૈયા (આખરી)ના ફાઇનલ પ્લોટ નં.450માં નટરાજનગર પીપીપી આવાસ યોજના માટેના અનામત પ્લોટ પર 1563 ચોરસ મીટર વિસ્તારમાં ખડકાયેલા 6 પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 13.28 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.12માં ત્રાટક્યો હતો. અહિં ટીપી સ્કિમ નં.14-વાવડી (ડ્રાફ્ટ)ના 15 મીટર અને 24 મીટરના ટીપી રોડને ખુલ્લો કરાવવા માટે ટ્રૂવેલ્યુના શો-રૂમ પાછળ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપીના 79 મીટર રોડ પર ખડકાયેલા પાંચ પાક્કા મકાન અને એક મંદિરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલીશનની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજીલન્સ પોલીસ સ્ટાફને સાથે રાખવામાં આવ્યો હતો.