- ધો.10માં બેઝીક સાયન્સમાં અમરેલી, સુરત, આણંદ, જૂનાગઢ અને અમદાવાદમાં મોબાઇલ સાથે ઝડપાયેલી વિદ્યાર્થિની સાથે કુલ 5 કેસો નોંધાયા
- ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં જામનગર એક કેસ અને આણંદમાં ચાર કોપી કેસ પકડાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિના કુલ 11 કેસો નોંધાયા હતા. અમદાવાદની કાંકરિયા-ખોખરામાં આવેલી પ્રગતિ સ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં એક વિદ્યાર્થિની મોબાઇલમાં યુ-ટયુબમાંથી પ્રશ્નના જવાબ શોધવા પ્રયાસ કરતાં ઝડપાઇ ગઇ હતી. જેની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. ધો.10માં આજે બેઝીક મેથ્સની પરીક્ષા લેવામાં આવી હતી. કાંકરિયા-ખોખરામાં આવેલી પ્રગતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં એક વિદ્યાર્થિની પરીક્ષા દરમિયાન મોબાઇલ લઇને પરીક્ષાખંડમાં પહોંચી ગઇ હતી. રીપીટર તરીકે પરીક્ષા આપતી આ વિદ્યાર્થિનીએ પરીક્ષા શરૂ થયા બાદ મોબાઇલમાં નેટ ચાલુ કરીને યુ-ટયુબના માધ્યમથી પ્રશ્નપત્રમાં આપેલા પ્રશ્નનો જવાબ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો.
આ વિદ્યાર્થિની હજુ કોઇ પ્રશ્નનો જવાબ શોધે તે પહેલા જ ખંડ નિરીક્ષકે તેને ઝડપી પાડી હતી. હિન્દી માધ્યમની આ વિદ્યાર્થિની ધો.10માં રીપીટર તરીકે પરીક્ષા આપતી હતી. નિયમ પ્રમાણે વિદ્યાર્થિની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. પરીક્ષાખંડમાં જતાં તમામ વિદ્યાર્થીઓનું જે તે સ્કૂલ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે. આમ છતાં આ વિદ્યાર્થિની મોબાઇલ ફોન છુપાવીને લઇ જવામાં સફળ રહી હતી. આ ઉપરાંત ધો.10 અને 12ની પરીક્ષામાં આજે દિવસ દરમિયાન જુદા જુદી 11 કોપી કેસ નોંધાયા હતા. જેમાં ધો.10માં બેઝીક સાયન્સમાં અમરેલી, સુરત, આણંદ, જૂનાગઢ અને અમદાવાદમાં મોબાઇલ સાથે ઝડપાયેલી વિદ્યાર્થિની સાથે કુલ 5 કેસો નોંધાયા હતા.
આજ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં આજે જામનગર એક કેસ અને આણંદમાં ચાર કોપી કેસ પકડાયા હતા. રાજ્યમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 11 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષામાં ગેરરિતી કરવામાં આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવશે.રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલ રહી છે જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 કોપી કેસ નોધાયા છે.
ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોધાયેલા કોપીકેસની વાત કરીએ તો જામનગરમાં 1, આણંદમાં 4 કોપી કેસ નોંધાયા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતમાં 1 કોપી કેસ નોંધાયો છે. બોર્ડ દ્વારા આ વખતે ગેરરીતી અટકાવવા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. અને કેમેરાની નજર સામે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા બાદ પણ કેન્દ્ર પરના ફુટેજ ચકાસવામાં આવનાર છે.