૧૪ ફોર્મમાંથી ૩ ફોર્મ રદ થયા: વોર્ડ નં. ૧૫માં ચાર અને વોર્ડ નં. ૬માં ૭ ઉમેદવારો

જૂનાગઢ મહાનગર પાલિકાની વોર્ડ નંબર ૬ અને વોર્ડ નં. ૧૫ ની એક – એક બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા કુલ ૧૪ ફોર્મમાંથી ગઇકાલે ૩ ફોર્મ રદ થતાં હવે ૧૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જો કે, આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારબાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં લડી લેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

જૂનાગઢ મનપા ના વોર્ડ નં. ૬ અને ૧૫ માં ખાલી પડેલ એક-એક બેઠક માટે કોંગ્રેસ, ભાજપ, એનસીપી સહિતની રાજકીય પાર્ટીના ઉમેદવારો સાથે કુલ ૧૪ ઉમેદવારોએ આ ચુંટણી જંગમાં ફોર્મ ભર્યા હતા. જેમાં ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે ૩ ફોર્મ રદ કરવામાં આવતા હવે કુલ ૧૧ ઉમેદવારો આજની તારીખે ચૂંટણીજંગમાં છે. જેમાં વોર્ડ નં. ૧૫ માં હાલ ચાર ઉમેદવારો અને વોર્ડ નંબર ૬ માં હાલમાં ૭ ઉમેદવારો નો સમાવેશ થાય  છે

જોકે આ વખતે ની મનપાની ખાલી પડેલ બેઠકની યોજાઇ રહેલ સામાન્ય ચૂંટણી ભારે રસાકસી પૂર્વક રહેશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે કારણકે વોર્ડ નં. ૧૫ માં ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે લડેલા અને મૂળ કોંગ્રેસી એવા પૂર્વ મેયર લાખાભાઇ પરમારને કોંગ્રેસે આ વખતે ફરી ચૂંટણી આપી છે, તો તેમની સામે કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને શહેર કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજુભાઈ સોલંકીને કોંગ્રેસની ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસ છોડી હવે એનસીપીની ટિકિટ મેળવી ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. તો ભાજપે પણ પોતાનો એક સશક્ત ઉમેદવાર નાગજીભાઈ ડાયાભાઇ કટારા ને આ સીટ માટે ખડા કાર્ય છે. આમ આ વોર્ડમાં વર્ચસ્વ ધરાવનાર ઉમેદવારો સામસામાં લડી રહ્યા છે  ત્યારે આ ચૂંટણી જંગ ભારે રસાકસી વાળો થશે તેવું મનાઇ રહ્યું છે. આવી જ રીતે વોર્ડ નં. ૬ માં ભારે જંગ નજરે પડી રહ્યો છે કારણકે અહીં મનપાના કોંગ્રેસની મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાના પુત્રને કોંગ્રેસે ટિકિટ આપી છે, તો સામે પક્ષે ભાજપે પણ યુવા ઉમેદવાર ની પસંદગી કરી અરવિંદભાઈ ગાંડાભાઈ રામાણીને ચૂંટણી જંગમાં ખડા કર્યા છે, જ્યારે એન.સી.પી. ના એડવાર માલદે ચાવડા અને  ગત ચૂંટણીમાં ભાજપની ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હારી ચૂકેલા પ્રવીણભાઈ વાઘેલા આ ચૂંટણી જંગમાં છે ત્યારે અહીં પણ ભારે રસાકસી જોવા મળશે.

જો કે, આગામી તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે અને ૧૪ ફેબ્રુઆરીએ તેમની મતગણતરી કરાશે, ત્યારે આજે તા. ૯ ના રોજ ફોર્મ પાછું ખેંચવાનો દિવસ છે ત્યારે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં લડી લેવાના છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.