- એજન્સીઓએ કેટલીક ક્વેરી રજૂ કરતા ટેન્ડરની મુદ્ત લંબાવાશે
શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે કોર્પોરેશન દ્વારા 150 કરોડના ખર્ચે શહેરના પ્રથમ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના માટે ગત મહિને ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં એકપણ બ્રિજ માટે ટેન્ડર ન આવ્યા હોય તેટલા ટેન્ડર કટારિયા ચોકડીએ બનનારા સિગ્નેચર બ્રિજ માટે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11 ટેન્ડરો આવ્યા છે. જેમાં એજન્સીઓ દ્વારા કેટલીક ક્વેરી રજૂ કરવામાં આવી હોવાના કારણે ટેન્ડરની મુદ્તમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.
શહેરના કટારિયા ચોકડી ઉપરાંત વેસ્ટ ઝોનમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા એકસાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા. ટેન્ડરની અવધિ આગામી 18મી નવેમ્બરના રોજ પૂરી થઇ રહી છે. ત્યારે કટારિયા ચોકડીએ બનનારા સિગ્નેચર બ્રિજનો કોન્ટ્રાક્ટ મેળવવા 11 એજન્સીઓએ રસ દાખવ્યો છે. જે કોર્પોરેશનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. કારણ કે અગાઉ બ્રિજના ટેન્ડરમાં એકલ-દોકલ એજન્સીઓ આવતી હતી. જેના કારણે રિ-ટેન્ડર કરવાની પણ ફરજ પડતી હતી. કટારિયા ચોકડી બ્રિજ માટે 11 એજન્સીએ રસ દાખવ્યો છે. સાથોસાથ કેટલીક ક્વેરી પણ રજૂ કરી છે. જેના કારણે ટેન્ડરની મુદ્તમાં વધારો કરવો પડે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.
શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂ.150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂં થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુટર્ન લઇ કાલાવડ રોડ અને સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. આ ઉપરાંત અન્ડરબ્રિજમાંથી નવા સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. જ્યારે અન્ડરબ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના પાસે હાલ જે હયાત નાલું છે ત્યાંથી શરૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય આઠ સ્થળોએ હયાત નાલાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રંગોલી પાર્ક નજીક રૂડાની આવાસ યોજના પાસે 18 મીટર અને 24 મીટર ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે. આ ઉપરાંત વોર્ડ નં.9માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેક્ધડ રિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂ.42.26 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્શ વિદ્યા મંદિર પાસે રૂ.5.53 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાલાના સ્થાને રૂ.12.65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.
કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 9 બ્રિજ માટેના ટેન્ડર ત્રણ દિવસમાં પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જે માત્ર વેસ્ટ ઝોનમાં જ બનશે. સ્માર્ટ સિટી સાથેનું કનેક્શન વધુ મજબૂત કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કટારિયા ચોકડી બ્રિજને અગાઉ આઇકોનિક બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આઇકોનિક બ્રિજ ભવિષ્યમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કટારિયા ચોકડી બ્રિજને સિગ્નેચર કેબલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. એકસાથે 9 બ્રિજના કામ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા બે વર્ષ માટે વકરે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થતા ન્યૂ રાજકોટ અને ખાસ કરીને સ્માર્ટ સિટીની શકલ ફરી જશે.