શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૫ માર્ચથી શ‚ થનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ: કાલથી શાળાઓને અને શુક્રવારથી વિદ્યાર્થીઓને મળશે હોલ ટિકિટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૫ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી બે દિવસ રાજયની તમામ શાળાઓને હોલ ટીકીટ વિતરણ કરી દેવામાં આવશે. ત્યારબાદ આગામી શુક્રવારથી ધો.૧૨ના વિદ્યાર્થીઓને તેમજ સોમવારથી ધો.૧૦ના વિદ્યાર્થીઓને દરેક જિલ્લા કક્ષાએથી હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવશે.
શિક્ષણબોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે દરેક જિલ્લા કક્ષાએ પરીક્ષાના કેન્દ્રો સીસીટીવી કેમેરા, સુપર વાઈઝર, ચેકીંગ સ્કવોર્ડ સહિતની શૈક્ષણિક અને વહિવટી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. બોર્ડની પરીક્ષાને આડે હવે માત્ર એક પખવાડીયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે શિક્ષણ બોર્ડ અને વિદ્યાર્થીઓ બંને પરીક્ષા માટે સજ્જ થઈ ગયા છે.
શિક્ષણ બોર્ડ વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર-૨ અને ૪ના વિદ્યાર્થીઓ તેમજ કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓને સૌથી પહેલા હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવશે. જયારે આવતીકાલે આચાર્યની ઓથોરીટી સાથે જે-તે શાળાએ હોલ ટીકીટ શિક્ષણ બોર્ડ પાસેથી મેળવી લેવાની રહેશે. જયારે બીજીબાજુ ધો.૧૦ની પરીક્ષાની હોલ ટીકીટનું વિતરણ ૪થી માર્ચના રોજ શનિવારે દરેક શાળાઓને મોકલી દેવામાં આવશે.
ત્યારબાદ દરેક શાળા કક્ષાએથી ધો.૧૨ના વિદ્યાર્થીઓને ૩જી માર્ચે એટલે કે શુક્રવારે અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ૬ માર્ચે સોમવારના રોજ હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જિલ્લાકક્ષાએથી આગામી શુક્રવારે ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે તેમજ સોમવારથી ધો.૧૦ના વિદ્યાર્થીઓને સતાવાર હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ હોલ ટીકીટ મેળવ્યા બાદ તેમાં રહેલી તમામ માહિતીની ચકાસણી કરી લેવી પડશે. જેથી પરીક્ષા ખંડમાં છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે હેરાનગતિ ન થાય. ચાલુ શૈક્ષણિક વર્ષે લેવાનારી બોર્ડની પરીક્ષા નવા કોર્ષ મુજબ લેવામાં આવશે. ૧૫ માર્ચથી શ‚ થનારી બોર્ડની પરીક્ષામાં ધો.૧૨ માટે બપોરે ૩ થી સાંજે ૬:૧૫ સુધીનો સમય નિર્ધારીત કરાયો છે. જયારે ધો.૧૦ના વિદ્યાર્થીઓને સવારે ૧૦ થી ૧:૧૫નો સમય નકકી કરાયો છે. ધો.૧૦માં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૩૦૦૦ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. ધો.૧૦ અને ૧૨ બંનેના મળીને કુલ ૧૭.૫૬ લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે. ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી તા.૧૫ માર્ચથી પરીક્ષા ફીવર છવાશે. શિક્ષણ બોર્ડના નકકી કરાયેલા અને સીસીટીવી તેમજ ટેબલેટના માધ્યમથી વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવે તેવા પરીક્ષા કેન્દ્રો નકકી કરાયા છે. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.