પ્લાસ્ટીકનાં ગ્લાસ, બેગ, ડીસ, ચમચી સહિતનાં જથ્થાનો નાશ કરાયો: ત્રણેય ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં વપરાશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગઈકાલથી કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટીક વેચતા વેપારીઓને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ૧૦૮ વેપારીઓ પાસેથી રૂા.૭૧,૮૦૦નો દંડ વસુલ કરી થોકબંધ સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે અલગ-અલગ રાજમાર્ગો પર હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૫૨ વેપારીઓને ત્યાંથી ૧૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ૩૦૦૦ નંગ પ્લાસ્ટીકનાં ગ્લાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂા.૨૪,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ચુનારાવાડ ચોક, મોરબી રોડ, કોઠારીયા રોડ સહિતનાં વિસ્તારોમાં અલગ-અલગ ૧૯ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૦૦ નંગ પ્લાસ્ટીક તથા થર્મોકોલનાં ગ્લાસ, ૧.૭૫૦ કિલો પ્લાસ્ટીકની કેરી બેગ અને ૭૩.૨૫૦ કિલો પાન-માવાનાં પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ૧૯ વેપારીઓ પાસેથી ૨૭,૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જયારે વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખાની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૩૭ આસામીઓ પાસેથી ૧૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક, ૫૦૦૦ નંગ પ્લાસ્ટીકનાં ગ્લાસ, ૬૫૦ નંગ થર્મોકોલનાં કપ, ૨૫૦૦ નંગ પ્લાસ્ટીકની ડીસ અને ૧૨૦૦ નંગ પ્લાસ્ટીકની ચમચીનો જથ્થાનો નાશ કરી રૂા.૧૯,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.