- બે નંબરના ચાંદીના દાગીના વેચનારાઓ ચેતજો
- આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી કુરિયર કંપનીના ડ્રાયવર સહિત ઝાંસીના ત્રણ શખ્સોની ધરપકડ
દાહોદ પોલીસ દ્વારા ખંગેલા ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઇવરની સીટ નીચેના ચોરખાનામાં સંતાડેલી મોટી માત્રામાં રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પોલીસની આ કાર્યવાહીથી રોકડ રકમ અને સોના-ચાંદીની હેરાફેરી કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ મુદ્દામાલ રાજકોટ આવી રહ્યો હતો તેવું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.
પોલીસે રૂપિયા 75 લાખની કિંમતની 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. અલગ અલગ દરની 1.38 કરોડની રોકડ, 5 લાખની ગાડી સાથે કુલ 2.19 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. આ સાથે જ પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જતી હોવાનો ખુલાસો થયો છે. ચૂંટણી કે હવાલા સાથેના એંગલથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી 75 લાખની આશરે 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ સહીત 2.19 કરોડનો મુદ્દામાલ પકડી પાડયો છે. આ સાથે ઉત્તર પ્રદેશના ચાલક સહિત 3 ઈસમોની ધરપકડ કરી છે. રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશ – ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કર્યું ત્યારે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચ ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા (ઉ.વ. 40, રહે. ઝાંસી, પ્રેમ નગર થાનાની પાછળ ઝાંસી (યુ.પી.) તથા (2) ડ્રાઈવરની બાજુમાં બેટેલા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (ઉ.વ. 45 રહે. ડરૂ ભોડેલા તા.જી. ઝાંસી)અને (3) રાજુભાઇ શ્રીકાલિકા પ્રસાદ પટેલ (ઉં.વ. 45, ખેતીકામ રહે. ઉનાવ ગેટની બહાર , અંજની નગર, ઝાંસી)ની ધરપકડ કરી હતી. બંનેને પકડી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા હતા, અને ગુનો દાખલ કર્યો હતો. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપયોગ થવાની શક્યતા જણાઈ રહી છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ચૂંટણી અને હવાલા કનેક્શનની તપાસ કરશે પોલીસ
રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે તે પહેલા જ આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદીનો જથ્થો ઝડપાતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે અને કેટલાય મોટા માથાઓ પર ચિંતામાં સરી પડ્યા છે. જો કે સમગ્ર વિગત તો પોલીસ તપાસ પૂર્ણ કરે ત્યારબાદ જ સામે આવશે અને ચોક્કસ કારણ જાણવા મળશે કે કોને આ રકમ અને ચાંદીનો જથ્થો કયા કામે મોકલ્યો હતો.