કડવા પાટીદારોના કુળદેવી માં ઉમિયાજીનું અમદાવાદમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની આગામી દિવસોમાં જ ભવ્યાતિભવ્ય શિલાન્યાસવિધિ યોજાનાર છે. જેની સમાજ દ્વારા જોરશોરથી તૈયારીઓ થવા લાગી છે. શિલાન્યાસ વિધિના આયોજન સંદર્ભે પવિત્ર ગંગાજળથી ભરેલા કળશનું વિધિવિધાન પૂર્વક પૂજન અને વિતરણ કરવામાં આવ્યું હતુ.
વિશ્વનું સૌથી ઉંચુ (૪૩૧ ફૂટ)માં ઉમિયાનું મંદિર અમદાવાદમાં આકાર પામશે. જેનું ટુંકાગાળામાં શિલાન્યાસ વિધિ દ્વારા નિર્માણકાર્ય શરૂ થશે.ઉમિયા માતાજીના મંદિરની ભવ્યાતિ ભવ્યા શિલાન્યાસ વિધિમાં પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવામા આવનાર છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના જાસપુર ખાતે પવિત્ર ગંગાજળથી ભરેલા ૧૦૮ કળશોનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાયા બાદ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનાં ઉપપ્રમુખ ડી.એન.ગોલ અને દિપકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વનાં સૌથી ઉંચા ૪૩૧ ફુટનાં ઉમિયા મંદિરનાં શિલાન્યાસનાં આયોજન પ્રસંગે ભાવિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે ગંગાજળથી ભરેલા ૧૦૮ કળશ સાથે પૂજન અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું.