જાફરાબાદનાં લુણસાપુર ગામે મહિલાને પ્રસવપીડા થતી હોવાથી ૧૦૮ મરફતે હોસ્પિટલે લઈ જતા વચ્ચે સાવજોનાં ટોળાએ રસ્તો રોકી ૧૦૮ ઘેરી લીધી: સિંહના ટોળા વચ્ચે મહિલાની નોર્મલ ડીલીવરી થઈ
જાફરાબાદના લુણસાપુરની ગામની વાડીમાં પોતાના પિયરે આવેલી મહિલાને પ્રસવપીડા થતા સવારનાં સાડા ચાર વાગ્યાની આસપાસ ૧૦૮ની ટીમ દ્વારા જાફરાબાદ દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન ર્સ્તામાં ૧૨ સિંહોના ટોળાએ રસ્તો રોકીને ૧૦૮ને ઘેરી લીધી હતી. ત્યારે ૧૦૮ની અંદરજ મહિલાને નોર્મલ ડીલીવરી થઈ હતી.
રાજુલા તાલુકાના ભચાધર ગામની વિલાસબેન હિંમતભાઈ મકવાણા તેમના પિયર જાફરાબાદનાં લુણસાપુર ખાતે આવી હતી. રાત્રીનાં સમયે મહિલાને પ્રસુતિની પીડા થતી હોવાથી પરિવારે ૧૦૮નો સંપર્ક કર્યો હતો. જાફરાબાદ૧૦૮ ટીમના પાયલોટ રાજુભાઈ જાદવ અને ઈ.એમ.ટી.ના અશોકભાઈ મકવાણા દ્વારા ૧૦૮ મારફતે મહિલાને લુણસાપુર ગામથી ત્રણ કી.મી.દૂર લવાતા રસ્તામાં ૧૨ સિંહો વચ્ચે આવ્યા હતા. અને આ સિંહના ટોળાએ ૧૦૮ને ઘેરી લીધા હતા. ત્યારબાદ ઈએમટીએ ફોન દ્વારા ડોકટરનાં માર્ગદર્શન હેઠળ મહિલાને નોર્મલ ડિલીવરી કરાવી હતી આ દરમ્યાન મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
૧૨ સિંહોના ટોળાએ ૧૦૮નો રસ્તો ૩૦ મીનીટ સુધી રોકી રાખ્યો હતો. વરસાદની સાથે સિંહના ટોળા વચ્ચે ઘેરાયેલી ૧૦૮ની અંદર બાળકનો જન્મ થયો હતો બાદમાં સિંહનું ટોળુ રસ્તો છોડી ચાલ્યું ગયું હતુ ત્યારબાદ મહિલા અને બાળકને જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.