સ્ટાર ઈન્ડિયા સાથેનો કરાર પૂર્ણ થયા બાદ ૧લી એપ્રિલથી ઓપ્પો સાથેનો કરાર શરૂ થશે
ઓપ્પોએ ૧૦૭૯ કરોડમાં ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપ ખરીદી લીધી છે. ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો હવે ભારતીય ટીમને સ્પોન્સર કરશે. બીસીસીઆઈએ આ કરાર અંગે મંગળવારે જાહેરાત કરી હતી. અત્યારે સ્ટાર ઈન્ડિયા સાથે કરાર છે. જે આગામી ૩૧મી માર્ચે પૂર્ણ થાય છે. સ્ટાર ઈન્ડિયાની સાથે એક જાન્યુઆરી ૨૦૧૪ના રોજ કરાર કર્યો હતો. ઓપ્પો સાથેનો નવો કરાર આગામી એપ્રિલ ૨૦૧૭થી લાગુ થશે. આ કરાર પાંચ વર્ષ માટે કરાયો છે. હવે ઓપ્પોનો લોગો ભારતની મેન્સ વુમન્સ અને જુનિયર ક્રિકેટ ટીમની જર્સી પર જોવા મળશે.
બીસીસીઆઈનો ઓપ્પો સાથેનો કરાર ૧૦૭૯ કરોડ ‚પિયાથી વધુનો છે. હવે ઓપ્પો કંપની દ્વિપક્ષીય સિરીઝની દરેક વન-ડે મેચ માટે લગભગ ૪.૧૭ કરોડ ‚પિયા અને એશિયન ક્રિકેટ કાઉન્સીલ તેમજ ઈન્ટરનેશનલ કાઉન્સિલની મેચ માટે ૧.૫૧ કરોડ ‚પિયા આપશે.
માર્કેટ એકસપર્ટર્સે અનુમાન લગાવ્યું હતું કે સ્પોન્સરશિપ મેળવવા માટેની રેસમાં સૌથી આગળ પેટીએમ હતી. પેટીએમ અત્યારે બીસીસીઆઈનું ટાઈટલ સ્પોન્સર પણ છે. એવી પણ ચર્ચા હતી કે રિલાયન્સ મોબાઈલ સર્વિસ જીઓ ટીમ ઈન્ડીયાની સ્પોન્સર થઈ શકે છે પરંતુ ઓપ્પોએ બાજી મારી હતી.
બીસીસીઆઈની વર્તમાન સ્થિતિ અને આઈસીસી સાથે થઈ રહેલા ટકરાવને કારણે સ્ટાર ઈન્ડિયાએ ફરીથી ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપની લીલામીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.