સિનિયર-જુનિયર 730 ભાઇઓ અને સિનિયર-જુનિયર 328 બહેનોના રજીસ્ટ્રેશન થયા
અબતક,
દર્શન જોશી, જુનાગઢ
દર વર્ષે જૂનાગઢના ગરવા ગિરનાર ને ગણતરીની મિનિટોમાં જ સર કરવા માટેની અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં સિનિયર-જુનિયર 730 ભાઇઓ અને સિનિયર-જુનિયર 328 બહેનોના મળી કુલ 1058 ફોર્મ ભરાયા છે.
જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખડતલ અને ગુજરાતની સૌથી સાહસિક ગણાતી આ જોમ – જુસ્સા સભર સ્પર્ધા માટે કુલ 1058 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.
જેમાં સિનિયર ભાઇઓ-400, જુનીયર ભાઇઓ-330, સિનિયર બહેનો-148 તથા જુનિયર બહેનો-180 નો સમાવેશ થાય છે. આ વર્ષે સિનિયર ભાઇઓની સ્પર્ધા સવારે 7-00 કલાકે તેમજ જુનિયર ભાઇઓની સ્પર્ધા 7-15 કલાકે તેમજ સિનિયર/જુનિયર બહેનોની સ્પર્ધા સવારે 9-00 કલાકે યોજાશે.
આ તકે રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઇ માલમના હસ્તે સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.