દ્વારકેશ પાર્કથી રાણીમાં રૂડીમાં ચોક સુધી ૬૪૦ ચો.મી. લંબાઈમાં ૯૦૦૦ ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણો દુર કરાયા
શહેરના વોર્ડ નં.૧માં રૈયાધાર વિસ્તારમાં ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ટીપીના રોડ પર ખડકાયેલા કાચા-પાકા ૧૦૫ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નં.૨૨ (રૈયા)ને મંજુર કરવામાં આવી છે. અહીં ટીપીના રોડ પર ખડકાયેલા મકાનો દુર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને વારંવાર રૂબરૂ જઈ સ્થળ પર જાણ કરવામાં આવી હતી છતાં દબાણો દુર કરવામાં ન આવતા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ મીટરના ટીપી રોડ, દ્વારકેશ પાર્કથી રાણીમાં રૂડીમાં ચોક સુધી ૨૪ મીટર ટીપી રોડને જોડતા રસ્તા પર આશરે ૬૪૦ મીટર લંબાઈમાં ખડકાયેલા ૧૦૫ મકાનો દુર કરવામાં આવ્યા હતા અને આશરે ૯ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અહીં ડિમોલીશનની નોટીસ ફટકારવામાં આવી ત્યારે કપાતના અસરગ્રસ્તોએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. જોકે ટીપી રોડ પર મકાન બનાવવામાં આવ્યા હોય અસરગ્રસ્તોની વળતર અને જમીન આપવાની માંગણી અદાલતે ફગાવી દીધી હતી.