કલાઈમેટ ચેન્જ તથા સમુદ્રની સપાટી અને તાપમાન વધવાના કારણે જમીનનું ભયજનક ધોવાણ થયુ
ગુજરાતમાં ૧૬૧૭ કિ.મી.નો દરિયાકાંઠો દેશનો સૌથી મોટો દરિયાકાંઠો છે. રાજયના ઘણા લોકોનું ગુજરાન આ દરિયાકાંઠાના કારણે ચાલે છે. પરંતુ ગુજરાતના આ દરિયાકાંઠે ગંભીર રીતે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. આંકડા મુજબ દરિયાના પાણીના કારણે ૧૦૩૫ સ્કવેર કિ.મી. જમીન ધોવાઈ ગઈ છે.
નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (એનસીએસસીએમ)ના મનીક મહામાત્રા તથા સ્પેસ એપ્લીકેશન સેન્ટર-ઈસરોના ડો.એ.એસ.રાજાવત તથા ડો.રતિશ રામક્રિષ્નન્ દ્વારા કરાયેલા રિસર્ચમાં આ ફલીત થયું છે. આંકડા મુજબ ગુજરાતનો ૩૫.૯૮ ટકા દરિયાકાંઠો ધવાઈ રહ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૦૩૫ સ્કવેર કિ.મી. જમીનનું તો ધોવાઈ થઈ ચૂકયુ છે.
જમીનના ધોવાણની પાછળ કલાઈમેન્ટ ચેન્જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી દરિયાની સપાટી અને તાપમાન વધી રહ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાનો પુરતો અંદાજ વગર લોકોની એકટીવીટી પણ જમીનના ધોવાણ પાછળ જવાબદાર છે.
સાઉથ ગુજરાતનો દરિયાકાંઠો જમીન ધોવાણ મામલે ટોચે છે. આજની તારીખે ગુજરાતના દરિયાકાંઠે ૫૪૯ ગામડાઓ વસેલા છે. જયાં ૩ કરોડથી વધુ લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત દરિયાકાંઠે અનેક નાના-મોટા બંદરો તેમજ ઉદ્યોગીક એકમો આવેલા છે. દરિયાકાંઠે થતી નાની ગતિવિધિ પણ દરિયાની સપાટીમાં વધારો કરે છે. અભ્યાસ અનુસાર ગુજરાતનો ૭૮૫ કિ.મી.નો દરિયાકાંઠો ધોવાણના કારણે જોખમી બની ગયો છે. આ અભ્યાસ સેટેલાઈટ ડેટાના માધ્યમથી કરવામાં આવ્યો છે.