25 ફૂટે ઓવરફ્લો થતાં ન્યારી ડેમની સપાટી 16.50 ફૂટે પહોંચી
ચોમાસાની સીઝનમાં વરસાદ સમયસર ન પડે તો રાજકોટવાસીઓએ પાણીની હાડમારીનો સામનો ન કરવો પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત વધારાના 650 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરી છે. જેનો હજુ સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી પરંતુ અગાઉ મંજૂર થયેલી અને બાકી રહેતા નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ન્યારી ડેમમાં છેલ્લા એક પખવાડીયામાં 103 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. હજુ 62 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે. દરમિયાન આજી ડેમમાં 20મી મે બાદ ગમે ત્યારે નર્મદાનું પાણી શરૂ કરવામાં આવશે.
રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે જળસ્ત્રોતમાં વધારો થતો નથી. જેથી ચોમાસાની સિઝનમાં સતત એક-એક મહિનો જળાશયો ઓવરફ્લો થતા હોવા છતાં માત્ર ચાર મહિનામાં સરકાર પાસેથી નર્મદાના નીરની માંગણી કરવી પડે છે. કોર્પોરેશન દ્વારા કુલ 1350 એમસીએફટી નર્મદાના નીર માંગવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજી ડેમમાં 1080 અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી પાણીની માંગણી કરાઇ હતી. પ્રથમ તબક્કામાં આજીમાં 879 અને ન્યારી 105 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું હતું.
દરમિયાન ગત પાંચ મેથી ન્યારી ડેમમાં ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ પખવાડીયામાં ડેમમાં કુલ 103 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. 25.10 ફૂટે ઓવરફ્લો થતા ન્યારીની સપાટી હાલ 16.50 ફૂટે પહોંચી છે અને ડેમમાં 543 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ ચાર જુલાઇ સુધી ચાલશે. ભાદર ડેમમાં 31મી મે સુધીનું પાણી હોય જેમાં નવા પાણી નાંખવા માટે માંગણી કરવામાં આવી છે. જો કે, 15 મે થી પાણી ઠાલવવાનું શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી પાણી શરૂ કરાયું નથી. 20મી મે બાદ ગમે ત્યારે આજી પણ નર્મદાનું નીર શરૂ કરી દેવામાં આવશે.
દરમિયાન ગત 12 એપ્રિલના રોજ મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકારને પત્ર લખી શહેરમાં ઓગસ્ટ માસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજી ડેમમાં 430 અને ન્યારી ડેમમાં 200 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી છે. જેનો હજુ સુધી સ્વિકાર કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.