મહિલા સુરક્ષાને લગતા મહત્વના ત્રણ પ્રસ્તાવોને કેન્દ્ર સરકારની મંજુરી; યૌન પીડિત મામલોની ઉચ્ચ તપાસ માટે ૧૦૭ કરોડના ખર્ચે ફોરેન્સીક કીટ ખરીદાશે
દેશભરમાં દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. ઘણા કેસો હજુ કોર્ટોમાં પેન્ડીંગ પડયા છે. ત્યારે આ કેસોને ઝડપી ઉકેલી દુષ્કર્મની પિડિતાઓને જલ્દીથી ન્યાય અપાવવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણંય કર્યો છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, દુષ્કર્મના પેન્ડીંગ પડેલા કેસોને ઝડપી ઉકેલવા નિર્ભયા કાંડમાંથી દેશભરમાં ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત જુલાઈમાસમાં કાનુન અને ન્યાયાલય મંત્રાલયે દેશમાં ૧ હજારથી વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો.જેનો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિએ મંજુરી પ્રદાન કરી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહિલા અને બાળવિકાસ સચિવની અધ્યક્ષતામાં ગઠીત ઉચ્ચસ્તરીય સમિતિએ નિર્ભયાકાંડ અંતર્ગત ત્રણ મહત્સના પ્રસ્તાવોને મંજુરી અપાઈ છે. દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ પેન્ડીંગ પડેલા મામલાઓના નિકાલ માટે ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ પ્રમુખ છે.જેનામાટે ૭૬૭.૨૫ કરોડ રૂપીયાનો ખર્ચ થશે.
પ્રથમ ચરણમાં દેશના ૯ રાજયોમાં ૭૭૭ ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થપાશે જયારે બીજા ચરણમાં બાકીના રાજયોમાં ૨૪૬ અદાલતોની સ્થાપના થશે. મંત્રાલય દ્વારા જે બીજો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. તેમાં યૌન પીડીતના મામલાઓની તપાસ માટે ફોરેન્સીક કીટ ખરીદવાનો સમાવેશ છે.
જેની માટે ૧૦૭.૧૯ કરોડ રૂપીયા ખર્ચાશે તોઆ ઉપરાંત, મંજૂર કરાયેલ ત્રીજા પ્રસ્તાવમાં માંગ કરાઈ હતી કે, દેશભરનાં ૫૦ રેલવે સ્ટેશનો પર વિડિયો સર્વિલન્સ સીસ્ટમ ઉભી કરવામાં આવે ઉલ્લેખનીય છેકે દિલ્હીમાં નિર્ભયાકાંડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ભયાફંડની સ્થાપના કરાઈ હતી જેના પૈસાનો ઉપયોગ મહિલા સુરક્ષાના કામોમાં કરવામાં આવે છે.