લખપત અને ભૂજમાં બે ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ પાણી પડ્યુ
સામાન્ય રીતે ગુજરાતના પાંચ ઝોન પૈકી સૌથી વધુ વરસાદની ખેંચ કચ્છ રિજીયનમાં વર્તાતી હોય છે. પરંતુ આ વર્ષે મેઘરાજા કચ્છ પર જાણે ઓળઘોળ થઇ ગયા હોય તેમ જુલાઇ માસના પ્રથમ પખવાડીયામાં જ સિઝનનો 102 ટકા જેટલો વરસાદ વરસાવી દીધો છે. ગઇકાલે પણ કચ્છના અલગ-અલગ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
છેલ્લા ત્રણ દાયકાથી કચ્છમાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 456 મીમી વરસાદ વરસે છે. આ વર્ષે 15 જુલાઇ સુધીમાં કચ્છમાં 464 મીમી એટલે કે 101.79 ટકા વરસાદ વરસી ગયો છે. અબડાસામાં 125.44 ટકા, ભૂજમાં 140.67 ટકા, લખપતમાં 170 ટકા, માંડવીમાં 138.65 ટકા, મુંદ્રામાં 138.49 ટકા, નખત્રાણામાં 125.26 ટકા વરસાદ વરસ્યો છે. એક તરફ કચ્છ રિજીયનમાં સિઝનનો 100 ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે ત્યારે રાપર તાલુકામાં હજુ વરસાદની ખેંચ વર્તાઇ રહી છે. રાપરમાં સિઝનનો માત્ર 23.35 ટકા જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ભારે ખેંચ વર્તાઇ રહી છે. 6 જિલ્લાઓમાં માત્ર 31 ટકા જ વરસાદ પડ્યો છે.