અબતક, રાજકોટ
કોરોના કાળમાં ધંધા રોજગાર સાવ ઠપ્પ થઇ ગયા છે જેના કારણે ચીટીંગના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે કોરોનાની બીજી લહેર પહેલા મંગાવેલ ૧૦૧ ટન એલોચ સ્ટીલ રો-મટીરીયલની ડીલેવરી મેળવી વેપારીને ૫૮.૭૭ લાખનો ધુંબો મારી દીધાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ પર્ણકુટીર સોસાયટી પાસે અમૃત પાર્ક મેઇન રોડ પર રહેતા અને ગોંડલ રોડ માનસતા ઇન્ડસ્ટ્રીઝ શેરી નં.૫ માં પેસીફીક સ્ટીલ કોર્પોરેશન નામની પેઢી ધરાવતા મિલનભાઇ ચંદુભાઇ કાકડીયા (ઉ.વ.૩૦) નામના પટેલ વેપારીએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ ખોડીયાર સોસાયટીમાં કાવ્યા ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા રાહુલ રમેશ વામજાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી એલોચ સ્ટીલ રો-મટીરીયલ્સનું કામકાજ કરતા હોય નવેમ્બર-૨૦૨૦માં આરોપી રાહુલ વામજા સાથે પરિચય થયો હતો.
દરમિયાન માર્ચ-૨૦૨૧ ના રોજ રાહુલ વામજાએ ફરીયાદીને ફોન કરી પોતાને ૧૦૧ ટન એલોચ સ્ટીલ રો-મટીરીયલ્સ જોય છે તેમ જણાવી ભાવ તાલ નકકી કરી ઓર્ડર લખાવ્યો હતો.
બાદમાં બે દિવસ પછી આરોપી રાહુલ વામજા ફરીયાદીની પેઢી પર રૂ બરૂ ગયો હતો અને સીકયુરીટી પેટે કાવ્ય ટ્રેડીંગ નામની પેઢીનો કોરો ચેક આપી માલ મોકલવા કહ્યું હતું અને માલની ડીલવરી વખતે આર.ટી.જી.એસ.થી પેમેન્ટ કરી આપવાની ખાત્રી આપી હતી.
આરોપી સાથે થયેલ વાતચીત મુજબ તા. ૧૧-૩-૨૧ ના ૩૬ ટન રો-મટીરીયલ્સ સાથેની એક ટ્રક અને ૨૦-૩-૨૧ ના ત્રણ ટ્રક અમદાવાદથી મંગાવી આરોપીને શાપર-વેરાવળ ખાતે રો-મટીરીયલ્સની ડીલેવરી કરી હતી.
ત્યારબાદ પૈસાની માંગણી કરતા લોકડાઉનના બ્હાના બતાવી આરોપી પૈસા આપવામાં ઠાગાઠૈયા કરવા લાગ્યો હતો. અને બાદમાં આરોપીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેતા અંતે મીલન કાકડીયાએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ વી.કે. ઝાલા સહીતના સ્ટાફે હાથ ધરી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.