સંરક્ષણ ક્ષેત્રના 411 શસ્ત્રો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે : ક્રમશ: તમામની આયાત બંધ કરાશે

મોદી સરકાર અત્યારે ઇકોનોમી અને આતંકવાદ નાબુદી આ બે મુદ્દે કમર કસી રહી છે. ત્યારે આતંકવાદ નાબૂદ કરવા અને સુરક્ષાને સઘન બનાવવાની કવાયત હેઠળ સરકારે 101 શસ્ત્રોનું ઉત્પાદન દેશમાં જ શરૂ થતાં તેની આયાત ઉપર પ્રતિબંધ મૂકીને મેઇક ઇન ઇન્ડિયના સૂત્રને પણ સાર્થક કર્યું છે.

ભારતે શસ્ત્રોની આયાતની સૂચિ જાહેર કરી, જે હેઠળ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને વેગ આપવા માટે ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2032 સુધી 101 શસ્ત્રો ઘરઆંગણે જ ઉત્પાદિત થતા હોય તેની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  તેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ચાલી રહેલા ડિફએક્સપોમાં કરી હતી. જો કે હવે ભારત સંરક્ષણ ક્ષેત્રના 411 શસ્ત્રો અને ઉપકરણો ઉત્પાદિત કરતું હોય ક્રમશ: તમામની આયાત ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે.

આયાત પ્રતિબંધની નવી યાદીમાં ફ્લીટ સપોર્ટ શોપ, માઈનસ્વીપર્સ, ઈન્ફન્ટ્રી પ્રોટેક્ટેડ મોબિલિટી વ્હીકલ્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ, 127 મીમી અને 30 મીમી નેવલ ગન, હાઈ-એલ્ટિટ્યુડ અને લોંગ-એન્ડ્યુરન્સ ડ્રોન, મધ્યમ રેન્જના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને કેટલાક પ્રકારના મહત્વના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક અદ્ભુત ’ડિફેન્સ એક્સ્પો’ છે કારણ કે તેમાં પ્રથમ વખત માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. અગાઉ ભારત શસ્ત્રોની આયાત કરતો દેશ હતો. હવે આપણો દેશ શસ્ત્રોની નિકાસ કરતો થયો છે.

  • ચીનની આડોળાઈ : લશ્કર-એ-તૈયબાના સભ્યને આંતકી જાહેર કરવામા ઉભો કર્યો અવરોધ

ચીને ફરી એકવાર પાકિસ્તાનને સમર્થન આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને અમેરિકાના પ્રસ્તાવને લટકાવી દીધો છે.  વાસ્તવમાં ચીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને મુલતવી રાખ્યો છે.તાજેતરના મહિનાઓમાં આ ચોથી ઘટના છે જ્યારે ચીને યુએનમાં આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાના માર્ગમાં અવરોધ ઊભો કર્યો છે.ઉલ્લેખનીય છે કે શાહિદ મહેમૂદ લશ્કર-એ-તૈયબાનો સર્વોચ્ચ સભ્ય છે.  મેહમૂદ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીરની નજીક છે.

  • પાકિસ્તાનની હેકડી કાઢવા સરહદ નજીક ડીસામાં એરબેઝ બનશે
  • સરહદથી માત્ર 130 કિમીના અંતરે વાયુ સેનાનું સ્ટેશન ઝડપી કાર્યવાહીમાં બનશે મદદરૂપ

વડાપ્રધાને બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહશે. બનાસકાંઠાના ડીસા ખાતે 4519 એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના જ અંતરે છે.આ એરબેઝના નિર્માણથી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે 355 કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ પણ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટીમાં વધારો થશે. આ એરબેઝને ફાસ્ટટ્રેક મોડમાં 21 મહિનામાં તૈયાર કરવામાં આવશે.

  • જમ્મુમાં પીએમની મુલાકાત પૂર્વે એનઆઈએએ 12 આતંકીઓ સામે ફાઇલ કરી ચાર્જશીટ

પલ્લીના સાંબામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા જમ્મુના બહારના સુંજવાનમાં જૈશ-એ-મોહમ્મદની આત્મઘાતી ટુકડી દ્વારા કરવામાં આવેલા હુમલાના સંબંધમાં 12 આરોપીઓ વિરુદ્ધ એનઆઈએની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં જૈશના બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.  આ દરમિયાન એક સુરક્ષા જવાન શહીદ પણ થયા હતા.  આરોપીઓમાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના વડા સહિત પાંચ પાકિસ્તાની આતંકવાદીઓનું નામ એ 12 લોકોમાં સામેલ છે.

  • યુદ્ધ ઉગ્ર બનતા ભારતીયોને યુક્રેન છોડવા ફરી એડવાઇઝરી જાહેર

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 8 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે.  યુક્રેનના વળતા હુમલાથી હતાશ થઈને રશિયા હવે તેને નષ્ટ કરવા માટે મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી રહ્યું છે.  સ્થિતિ બગડતી જોઈને હવે ભારતે યુક્રેનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવાની એડવાઈઝરી જારી કરી છે.  યુક્રેનમાં ભારતીય દૂતાવાસે સુરક્ષાને ધ્યાને લઈને આ એડવાઈઝરી જાહેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.