સ્પિનરોની કમાલ અને રોહિતની બેટિંગએ વિન્ડિઝને 6 વિકેટે મ્હાત આપી
અબતક, અમદાવાદ
ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં વન-ડે શ્રેણીની શાનદાર જીત સાથે શરૂઆત કરી. રોહિત એન્ડ કંપનીએ પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 176 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની ઝડપી અડધી સદી અને સૂર્યકુમાર યાદવની ઉપયોગી બેટિંગના આધારે આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. રોહિત શર્માએ માત્ર 51 બોલમાં 60 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 28 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલી અને પંત કંઈ ખાસ કરી શક્યા નહોતા. વિરાટે 8 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી અને પંત 11 રને રન આઉટ થયો હતો.
ભારતની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને ભારતના બંને સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરે મળીને 7 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને મેચમાંથી બહાર કરી દીધું હતું. યુઝવેન્દ્ર ચહલે 49 રન આપીને 4 જ્યારે વોશિંગ્ટનને 9 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 10 ઓવરમાં માત્ર 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.
નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા ખાસ કરીને મુક્તપણે બેટિંગ કરતો હતો અને ઈશાન તેને સ્ટ્રાઈક આપતો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ ખરાબ બોલને બાઉન્ડ્રી પાર મોકલ્યા અને ભારતે માત્ર 8.1 ઓવરમાં 50 રન પૂરા કર્યા. ટીમ ઈન્ડિયાએ પહેલા પાવરપ્લેમાં 67 રન બનાવ્યા હતા.રોહિત શર્માએ 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, રોહિત શર્માએ અડધી સદી બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અલઝારી જોસેફની અંદર આવતા બોલ પર તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ પછી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો અને તેણે સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા પરંતુ ચોથા બોલ પર ખરાબ શોટથી તેની ઇનિંગનો અંત આવ્યો.
અલઝારીએ 14મી ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને આશા જગાવી હતી અને આ આશાને 17મી ઓવરમાં ઈશાન કિશનને અકીલ હુસૈન દ્વારા આઉટ કરીને પાંખો આપી હતી. પંત પણ કમનસીબ રીતે રનઆઉટ થયો હતો. જોકે, આ પછી સૂર્યકુમાર યાદવ અને નવોદિત દીપક હુડ્ડાએ 64 બોલમાં 62 રનની અજેય ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત અપાવી હતી. સૂર્યકુમારે અણનમ 34 અને દીપક હુડ્ડાએ અણનમ 26 રન બનાવ્યા હતા.