વધુ એક યુદ્ધના ભણકારા ?!!
નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને દાયકાઓ જૂનો સંઘર્ષ ફરી એકવાર લોહીયાળ બન્યો !!
હજુ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શાંત નથી પડ્યું ત્યાં બીજી બાજુ આર્મેનિયા અને અઝરબૈજાનની સરહદ પર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. બંને દેશો વચ્ચે સરહદી વિવાદમાં ચાલી રહેલી લડાઈમાં બંને પક્ષોના લગભગ 100 સૈનિકો માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની વધુ ઘેરી બનવાની શક્યતા વધી ગઈ છે. આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિન્યાને મંગળવારે જણાવ્યું હતું કે અઝરબૈજાનમાં મોડી રાત્રે થયેલા હુમલામાં 49 આર્મેનિયન સૈનિકો માર્યા ગયા હતા.
તે જ સમયે, અઝરબૈજાને કહ્યું છે કે તેના 50 સૈનિકો માર્યા ગયા છે.યુક્રેન અને રશિયા વચ્ચે હજુ યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું તેવા સમયમાં વૈશ્વિક શાંતિ માટે પડકારરૂપ બે દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સરહદી વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બંને દેશોએ સામસામે હુમલા પણ શરૂ કરી દીધા છે. યુક્રેન-રશિયા અને હવે આર્મેનિયા-અઝરબૈજાન પણ અગાઉ સોવિયેત યુનિયનના જ ભાગ હતા. જેથી અગાઉ સોવિયેત યુનિયનમાં રહેલા દેશો વચ્ચે જ સતત તણાવ વધી રહ્યો છે.
સંસ્કૃતિ અને સાર્વભૌમના ભોગે કંઈ જ ન ખપે તેનાથી શરૂ થયેલું યુક્રેન-રશિયા યુદ્ધ જ હજુ શાંત પડ્યું નથી ત્યારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સીમા વિવાદમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે જે સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે. રશિયાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો અને યુદ્ધવિરામ કરાર હેઠળ લગભગ 2000 રશિયન સૈનિકો આ વિસ્તારમાં શાંતિ રક્ષક તરીકે તૈનાત છે. રશિયાએ બે ભૂતપૂર્વ સોવિયેત દેશોને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા હાકલ કરી છે. દરમિયાન આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અઝરબૈજાનની સેનાએ આર્ટિલરી અને ડ્રોન વડે હુમલા કર્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે રશિયાના ઝડપી મધ્યસ્થી પ્રયાસ છતાં દિવસ દરમિયાન લડાઈ ચાલુ રહી હતી. તેમણે કહ્યું કે તોપમારો શમી ગયો છે પરંતુ અઝરબૈજાનના સૈનિકો હજુ પણ આર્મેનિયન પ્રદેશમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આર્મેનિયન દળોએ દેશના ત્રણ જિલ્લાઓમાં સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો અને આર્મેનિયન હુમલાખોરોએ આ વિસ્તારોમાં લેન્ડમાઈન બિછાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે અઝરબૈજાનના દળોને અસ્પષ્ટ સંખ્યામાં જાનહાનિ થઈ છે અને મજબૂત જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારત ’વસુધૈવ કુટુંબકમ’ના સૂત્ર પર અડગ વાતચીતથી ઉકેલ લાવવા બંને દેશોને અપીલ
ભારતે મંગળવારે બંને દેશોને આક્રમકતાનો અંત લાવવા અને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરતા કહ્યું કે, સૈન્ય સંઘર્ષથી કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત માને છે કે દ્વિપક્ષીય વિવાદોનો ઉકેલ કૂટનીતિ અને વાતચીત દ્વારા થવો જોઈએ. ત્યારે ભારતે આ અપીલ કરીને પોતાના ’વસુધૈવ કુટુંબકમ’ના સૂત્ર પર અડગ રહી પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું હતું.
નાગોર્નો-કારાબાખ પર દાયકાઓ જૂની લડાઈ: અગાઉ 6600 સૈનિકોના થયા હતા મોત
નાગોર્નો-કારાબાખને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. નાગોર્નો-કારાબાખ અઝરબૈજાનનો એક ભાગ છે, પરંતુ 1994 માં અલગતાવાદી યુદ્ધ સમાપ્ત થયું ત્યારથી તે આર્મેનિયા દ્વારા સમર્થિત દળોના નિયંત્રણ હેઠળ છે. વર્ષ 2020માં બંને વચ્ચે 6 અઠવાડિયાના યુદ્ધમાં 6600 થી વધુ લોકો માર્યા ગયા.