શહેરી વિકાસ મંત્રાલયના વર્કશોપમાં જાહેરાત કરાશે
કોઈ પણ શહેર કેટલું રહેવાલાયક છે તેનું માપ કાઢવું ટૂંક સમયમાં શક્ય બનશે. જે તે શહેરમાં રહેવાની સુવિધા, માહોલ વગેરે પરિબળો (લીવેબિલિટી)ને આધારે રેટિંગની વૈશ્વિક પ્રણાલી અનુસાર ભારત પણ લીવેબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કરવા તૈયાર છે. પ્રારંભિક તબક્કે ૧૦૦ સ્માર્ટ સિટીનો લીવેબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવશે. જેમાં ભારતનાં શહેરોને ૭૭ માપદંડના આધારે રેન્કિંગ અપાશે. વિવિધ માપદંડમાં નાગરિકોની ફરિયાદનો ઉકેલ, પ્રદૂષણ, ઉપલબ્ધતા, ઓનલાઇન સિટિઝન સર્વિસિસ, ઐતિહાસિક ઇમારતોની જાળવણી, પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ, ગુનાખોરીનો દર તેમજ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સામેના ગુનાનું પ્રમાણ, ટ્રાફિક સર્વેલન્સ સિસ્ટમની ઉપલબ્ધતા અને શિક્ષણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ મંત્રાલયના વર્કશોપમાં મંગળવારે લીવેબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવશે. જેમાં શહેરની પ્રગતિનું સંસ્થાકીય, સામાજિક, આર્થિક અને ફિઝિકલ એમ ચાર ધોરણોને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. તેને વિવિધ ધોરણોની ૧૫ પેટા કેટેગરીમાં વહેંચાશે.