-
VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભાના માત્ર પાંચ બુથના ઇવીએમ વોટ સાથે વિવિપેટ સ્લિપનું વેરિફિકેશન જ યથાવત રહેશે : ચૂંટણી પંચને રાહત
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.સુપ્રીમ કોર્ટ EVM અને VVPAT ડેટાના 100% મેચિંગની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે જેમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે બે દિવસ પહેલા સુનાવણી પૂરી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અને આજે ચુકાદો આપ્યો છે કે 100 ટકા વેરિફિકેશનની જરૂર નથી.
વાસ્તવમાં, ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લિપને મેચ કરવાની સૂચનાઓ માંગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 18 એપ્રિલે સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો. ત્યારબાદ થોડી વધુ માહિતી લીધા બાદ કોર્ટે બુધવારે બીજી વખત સુનાવણી કરી અને પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો.
હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારના માત્ર પાંચ મતદાન મથકોના EVM વોટ અને VVPAT સ્લિપ મેચ થાય છે. આ મહિનાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ EVM ચકાસવાને બદલે તમામ EVM મતો અને VVPAT સ્લિપ્સની ગણતરીની માંગ કરતી અરજી પર ચૂંટણી પંચને નોટિસ જારી કરી હતી. આજે આ જૂની પ્રથા યથાવત રાખવા અંગે જ સુપ્રીમ કોર્ટે નિર્ણય જાહેર કર્યો છે અને અરજીઓ ફગાવી દીધી છે.