પ્રથમ દિવસે જ રાજકોટ સહિત સૌરાષ્ટમાં 90 ટકાથી વધુ વિધાર્થીઓ હાજર રહ્યા વિદ્યાર્થીઓમાટે જી-શાળા એપ પર રેકોર્ડેડ ક્ધટેન્ટ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું
#અબતક,રાજકોટ
ગુજરાતની સ્કૂલો અને કોલેજોમાં બે વર્ષ બાદ આજથી શિક્ષણકાર્ય સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે.કોરોના ઓસરતા સરકારે સ્કૂલો ઉપરાંત પ્રી પ્રાયમરી સ્કૂલો આંગણવાડીઓ પણ શરૂ કરી દીધી છે ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે. કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન-ઓફલાઈન મોડમાં સ્કૂલો-કોલેજો ચાલી રહી હતી.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સ્કૂલો-કોલેજોમાં હવે ઓફલાઈન શિક્ષણ જ અપાશે. કોરોનાનાં કારણે માર્ચ 2020થી સ્કૂલો-કોલેજો તબક્કાવાર બંધ કરાઈ હતી અને સમયાંતરે શરૂ પણ કરાઈ હતી. જો કે, તેમાં ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ એમ બંને વિકલ્પો અપાયા હતા. પરંતુ હવે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ બંધ થતાં સ્કૂલ-કોલેજ ફરીથી પહેલાની જેમ ધમધમતી થઇ હતી.સોમવારથી શાળાઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્લાસરૂમમાંથી ચાલતા ઑનલાઇન શિક્ષણના બદલે હવે માત્ર ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓ માટે જી-શાળા એપ પર રેકોર્ડેડ કન્ટેન્ટ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, હવે રાજ્યની સ્કૂલોમાં રાબેતા મુજબનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.
ગુજરાતમાં આવેલી તમામ બોર્ડની સ્કૂલો અને કોલેજોમાં ફરજીયાતપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો ઠરાવ કરી દીધો હતો.જે મુજબ આજથી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ ગયું છે અને વિદ્યાર્થીઓ હવે કલાસ રૂમમાં જઈને જ અભ્યાસ કરશે.સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણથી રાજ્યના ગ્રામ્યવિસ્તારોના વિદ્યાર્થીઓ મોટો ફાયદો થશે તેમજ સ્કૂલોથી માંડી ઉચ્ચ શિક્ષણના લાખો વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણથી મોટી અસર થશે. સરકારના ઠરાવ મુજબ 100 ટકા સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ ચાલશે અને સ્કૂલો-કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પણ પુરાશે.જો કે વિદ્યાર્થીઓ હજુ પણ સ્કૂલે-કોલેજોમાં ન આવે કે વાલીઓ બાળકોને ન મોકલે તો પરીક્ષામાં ગેરહાજરીની બાબત ધ્યાને લેવાશે કે નહી તે મુદ્દે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે આ બાબતની સ્પષ્ટતા સરકારના ઠરાવમા પણ કરાઈ નથી. પરંતુ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને શિક્ષણના મોડથી સ્કૂલો-કોલેજોને મુશ્કેલી પડી રહી હતી અને વિદ્યાર્થીઓ-વાલીઓ પણ મુંઝાતા હતા.