વડોદરાના એક ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ ખાવાને કારણે ૧૨૩થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના વડોદરાના પાદરામાં આવેલ ગોવિંદપુરા વિસ્તારની છે જ્યાં હોમિયોપેથીક ડો. અબુબકર અલીકત સૈયદ દ્વારા ધાર્મિક નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ડોકટરના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ ખાવાના કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. લોકોની હાલત ખરાબ થતા તાત્કાલિક હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા તંત્ર કામે લાગ્યું હતું વડોદરા જીલ્લા કલેકટર સહિતના અધિકારી હોસ્પિટલ દોડી ગયા હતા જોકે, તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.
અસરગ્રસ્તોને સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ ટીમ અને આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પ્રાંત ઓફિસર સહિત ટી.ડી.ઓ તથા નગર પાલિકા સહિત તાલુકા હેલ્થ ઓફિસર અને મામલતદાર પણ દોડી આવ્યા હતા. જોકે હાલ તમામ ખતરાથી બહાર છે જેની પુષ્ટિ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.