ભાદર, આજી અને ન્યારી ડેમમાંથી પાણી ઉપાડવામાં આવતું હોય ડહોળા પાણીની ફરિયાદો: પાણી પીવા લાયક હોવાનું મેયરની હૈયાધારણા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ મહેર કરતા શહેરની જળજ‚રીયાત સંતોષતા સ્થાનિક જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જેના કારણે મહાપાલિકા દ્વારા નર્મદાના નીરમાં ૧૦૦ એમએલડીનો કાપ મુકી દેવામાં આવ્યો છે. જેથી દૈનિક લાખો ‚પિયાની બચત થઈ રહી છે. બીજી તરફ ભાદર, આજી અને ન્યારી ડેમમાંથી નવા પાણીનો ઉપાડ શ‚ કરી દેવામાં આવ્યો હોય. શહેરભરમાં ડહોળા પાણી વિતરણની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે શહેરીજનોને એવી ખાતરી આપી છે કે પાણી ડહોળુ ભલે રહ્યું પરંતુ ૧૦૦ ટકા શુઘ્ધ અને પીવાલાયક છે.રાજકોટની દૈનિક જળજ‚રીયાત ૨૭૦ એમએલડી છે. એક પખવાડીયા પૂર્વે રાજકોટ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત હતું. દરમિયાન અનરાધાર વરસાદના કારણે શહેરની જીવન જ‚રીયાત સંતોષતા તમામ જળાશયોમાં માતબર નવા નીર આવતા નર્મદાના ઉપાડમાં ૧૦૦ એમએલડીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હાલ મહાપાલિકા દ્વારા ભાદર ડેમમાંથી ૩૯ એમએલડી, આજી ડેમમાંથી ૩૫ એમએલડી અને ન્યારી ડેમમાંથી ૩૭ એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. જયારે આજીડેમ પર નર્મદાનું ૮૧ એમએલડી, રૈયાધાર પર નર્મદાનું ૫૫ એમએલડી અને બેડી ખાતે ૨૩ એમએલડી પાણી લેવામાં આવે છે. સામાન્ય રીતે જળાશયોમાં પાણીની આવક થયા બાદ ૮ દિવસ પછી વિતરણ માટે પાણી ઉપાડવામાં આવતું હોય છે પરંતુ ભારે વરસાદના કારણે પમ્પીંગ સ્ટેશનો પર ટેકનિકલ ફોલ્ટ સર્જાવાના કારણે મહાપાલિકા દ્વારા ત્રણેય જળાશયોમાંથી તાત્કાલિક પાણીનો ઉપાડ શ‚ કરી દેવામાં આવ્યો હોય. હાલ શહેરમાં ડહોળા પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જોકે આ પાણી સંપૂર્ણપણે પીવા લાયક હોવાનું ખુદ મેયરે જણાવ્યું છે.