- ઇડી દ્વારા કરાયેલ ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી ઉપર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલામાં આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઇડી કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની ખંડપીઠમાં થવાની છે. આ પહેલા હાઈકોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણીની માંગને ફગાવી દીધી હતી. જો કે આજની સુનાવણીમાં કેજરીવાલને રાહત મળે તેવી શકયતા ઓછી જણાઈ રહી છે.
21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેમની ધરપકડના બીજા દિવસે આમ આદમી પાર્ટી આ મામલે હાઈકોર્ટ પહોંચી હતી. આ મામલે હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે આ મામલાની સુનાવણી આજે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ ઈડીએ અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. ઇડીએ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે માત્ર 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા. અરવિંદ કેજરીવાલના રિમાન્ડ 28 માર્ચે પૂરા થઈ રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમની ઇડી કસ્ટડી દરમિયાન બે આદેશો જારી કર્યા છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે 23 માર્ચે પોતાનો પહેલો આદેશ જારી કર્યો હતો. જેમાં તેમણે દિલ્હીના પાણી મંત્રી આતિશી માર્લેનાને દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાને હલ કરવા સૂચના આપી હતી. આ પછી, 26 માર્ચે, અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્ય મંત્રાલયને સંબંધિત સૂચનાઓ આપી. દિલ્હીથી સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મને આદેશ મળ્યા છે કે મોહલ્લા ક્લિનિકમાં દવાઓ અને ટેસ્ટ મફતમાં આપવામાં આવતા રહે. તેમનો આદેશ મારા માટે ભગવાનના આદેશ જેવો છે. જોકે, આ આદેશોને લઈને પણ વિવાદ શરૂ થયો છે.