ઓસ્ટ્રેલિયા સામે ઇન્દોર ટેસ્ટમાં ઓપનરને લઈ ભારતીય ટીમની મથામણ !!!
ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચ ની સિરીઝના પ્રથમ બે ટેસ્ટ ભારતે જીતી લીધા છે ત્યારે બાકી રહેતી બે ટેસ્ટમાં ભારત જો એક ટેસ્ટ જીતી જાય તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ ભારતીય ટીમ માટે 100 મણનો સવાલ તો એ છે કે ઓપનર તરીકે કે.એલ રાહુલને લેવો કે શુભમન ગીલને લેવો. સામે કે એલ રાહુલ ભારતીય ટીમ તરફથી ઘણી ઉપયોગી ઇનિંગ રમ્યો છે ત્યારે શું ટીમ મેનેજમેન્ટ ફરી એક તક આપશે કે કેમ તે પણ જોવાનું રહ્યું.
સૌરવ ગાંગુલીએ પણ રાહુલને સંબોધીને કહ્યું હતું કે જે ભારતીય ટીમ માટે રન ન બનાવી શકે તો તેને ટીમની બહાર બેસી જવું જોઈએ. ત્રીજા ટેસ્ટ પૂર્વે બંને ઓપનર ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમાં રાહુલ નજીવા સ્કોરમાં જ આઉટ થઈ ગયો હતો તેને લઈ હવે ભારતીય ટીમની મથામણ વધી છે કે રોહિત શર્મા સાથે રાહુલને ઓપનિંગ કરાવી કે પછી ગિલને જવાબદારી સોંપવી.
ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે કેએલ રાહુલ માટે લાંબા સમય સુધી ખરાબ પ્રદર્શનને કારણે આકરી ટીકા ટાળવી મુશ્કેલ હશે ખાસ કરીને જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. ઉપકપ્તાન પદ પરથી હટાવવામાં આવેલ રાહુલ તેની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 25 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. હકીકત એ છે કે તેણે 47 ટેસ્ટમાં 35 કરતાં ઓછી સરેરાશથી રન બનાવ્યા છે તે ખરેખર તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરતું નથી. રાહુલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે પરંતુ ગાંગુલીએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે લોકો રાહુલ જેવા પ્રતિભાશાળી ખેલાડી પાસેથી વધુ અપેક્ષા રાખે છે જેણે નવ વર્ષમાં માત્ર પાંચ ટેસ્ટ સદી ફટકારી છે. આવતીકાલથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ એ જ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે કે તેઓ ત્રીજો ટેસ્ટ જીતે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે.