ચાલુ નાણાકીય વર્ષમાં રિટર્ન ભરનારાઓની સંખ્યા ૩ કરોડને પાર ૭૭.૭૦૦ કરોડના રિફંડ ચુકવાયા
ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા આકરા નિયમો ઘડી કાઢવામાં આવતા દેશમાં ઈન્કમ ટેકસ રીટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ ૩ કરોડથી વધુ કરદાતાઓએ ઈન્કમ ટેકસ રીટર્ન ફાઈલ કર્યા છે અને સામાપક્ષે ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા રીફંડ આપવાની કાર્યવાહી પણ ઝડપી બનાવતા અત્યાર સુધીમાં ૮૦ ટકા રીફંડની કાર્યવાહી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આવક વેરા વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષે રીટર્ન ભરવાની મુદતમાં વધારો કરી ૩૧મી ઓગસ્ટ સુધીની સીમા નકકી કરી છે ત્યારે આ મુદત વધારા પૂર્વે લગભગ ૩ કરોડથી વધુ રીટર્ન ફાઈલ કરી દીધા છે. ગત વર્ષની તુલનાએ આ આંકડો ડબલ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચાલુ વર્ષે ૧.૨૫ કરોડ નવા કરદાતાઓ ઉમેરવાની યોજના બનાવી હતી. વધુમાં ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા રિફંડ કેસોને ઝડપથી નિપટાવવામાં આવી રહ્યા છે.
જે અન્વયે અત્યાર સુધીમાં ૭૭.૭૦૦ કરોડ સુધીના રીફંડ ચુકવવામાં આવ્યા છે. ગત વર્ષની તુલનાએ આ આંકડો ૫૭૫૫૧ વધુ હોવાનું પણ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા અગાઉ ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત આપી હતી જેમાં મુદત વધારવા માંગણી થતા હાલમાં એક માસનો વધારો કરીને આ મુદતને ૩૧મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૨.૯૬ કરોડનું વળતર હતું. જયારે એક વર્ષ પૂર્વે ૧.૪ કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું.
દરમિયાન કરવેરા વિભાગે કરમાળખાને વિસ્તૃત બનાવી જે કરદાતાઓ આવક છુપાવી રહ્યા હોય તેઓને આવક વેરાની જાળમાં લેવા માટે સમગ્ર દેશમાં સબ રજીસ્ટ્રાર કચેરી, જવેલર્સ, કાર ડિલર અને અન્ય ઉંચા આર્થિક વ્યવહારો પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવી હોવાનું અંતમાં સુત્રોએ જણાવ્યું હતું.