“ઝંડા ઉંચા રહે હમારા”
ભક્તિનગર રેલવે સ્ટેશન ઉપર ૬૯ લાખના ખર્ચે ૨૦ વ્યક્તિની વહન ક્ષમતા ધરાવતી લીફટનું ખાતમુહૂર્ત
અમદાવાદ–દિલ્હી માટે રાજધાનીની સેવા જે ઉપલબ્ધ છે તેને રાજકોટ સુધી લંબાવવા માટે અપીલ: મોહન કુંડારીયા
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જ દેશના એ-૧ કેટેગરીમાં સામેલ કરાયેલા ૭૫ રેલવે સ્ટેશનો ઉપર ૧૦૦ ફૂટ ઉંચાઈના પોલ ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના નિર્દેશો આપ્યા હતા. જેના ભાગરૂપે રાજકોટ રેલવે જંકશન સ્ટેશનમાં ૧૦૦ ફૂટ ઉંચા પોલ ઉપર કાયમી ધોરણે શાનથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે આજરોજ જંકશન સ્ટેશન પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ રાજકોટ ડિવિઝનના સંચાલનમાં રહેલા ભક્તિનગર રેલવે સ્ટેશન પર વડીલો, અપંગો, વિકલાંગો માટે રૂ.૬૯.૭૦ લાખના ખર્ચે તૈયાર થનારી, એકી સાથે ૨૦ લોકોની કેપેસીટી ધરાવતી લીફટનું પણ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ તકે મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, હાલ અમદાવાદથી દિલ્હી માટે રાજધાની એકસપ્રેસ જે શરૂ કરવામાં આવી છે તે રાજકોટ સુધી પણ લંબાય તેના માટે તેમણે અપીલ કરી છે. જો કે, તેમની આ માંગ માન્ય રહેશે તેવી તેમને આશા છે.
ભક્તિનગર રેલવે સ્ટેશનને ૧૦૦ ફૂટની ઉંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. રાષ્ટ્રધ્વજને ૧૦૦ ફૂટની ઉંચાઈએ રાખવાથી તેની સુરક્ષા, જરૂરી લાઈટીંગ ખાસ વ્યવસ્થા પણ ગોઠવવાની સુચના અપાઈ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના એ-વન શ્રેણીમાં આવતા રેલવે સ્ટેશનો પર તિરંગો ૧૦૦ ફૂટની ઉંચાઈએ શાનથી લહેરાશે.