કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: મેયર, સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીએ કર્યું ધ્વજવંદન
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મેયર ડો.પ્રદિપ ડવએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ ઇન્કલાબ ઝીંદાબાદના નારા સાથે પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, અભી ભી જિસકા ખુન ના ખોલા, વો ખૂન નહીં વો પાની હૈ, જો દેશ કે કામ ના આયે, વો બેકાર જવાની હૈ.આજે રાજકોટ સમગ્ર વિશ્ર્વમાં ઝડપથી ગ્રોથ કરતું શહેર બન્યું છે. આજે રાજકોટ એ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રેનું હબ બન્યું છે ઉદ્યોગ ક્ષેત્રે પણ રાજકોટ સતત આગળ વધી રહ્યું છે.વિકાસના ફળ ગરીબ અને છેવાડાના લોકોને પણ મળી રહે તે માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં છે.
પી.એમ.સ્વનીધી યોજના હેઠળ અત્યાર સુધીમાં 17000 થી વધુ શેરી ફેરીયાઓને ધંધા રોજગાર માટે લોન અપાવેલ છે. 50 ઇલેક્ટ્રિક બસો હાલ લોકોની સેવામાં છે અને આગામી દિવસોમાં નવી ઇલેક્ટ્રિક અને 100 સીએનજી બસ રાજકોટના લોકોની સુવિધા માટે ટૂંક સમયમાં આપવાના છીએ. મહાત્મા ગાંધી મ્યુઝીયમ, પ્રદ્યુમન પાર્ક ઝૂ એરાજકોટનું ગૌરવ વધારેલ છે. થોડાક સમય પહેલાજ રાજકોટ શહેરને સરકાર દ્વારા વિકાસના કામો માટે વધારાની 100 કરોડથી વધુની ગ્રાન્ટ મળેલ છે. અને અંતમાં કહ્યું હતું કે….કુછ નશા તિરંગે કી આન કા હૈ, કુછ નશા માતૃભુમિ કે માન કા હૈ, હમ લહરાએંગે હર જગહ ઇસ તિરંગે કો, એસા નશા હી કુછ હિન્દુસ્તાન કી શાન કા હૈ.શ્રેષ્ઠ સફાઈ કામદારોપૈકી સેન્ટ્રલ ઝોનના દિપકભાઈ વાળા, પ્રભાબેન વાળા, ઇસ્ટ ઝોનના ખોડાભાઈ પરમાર, ગીતાબેન વાઘેલા તથા વેસ્ટ ઝોનના બાબુભાઇ ઝાલા, લક્ષ્મીબેન પરમારનું શાલ તથા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્રણેય ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવાના નિર્ણય અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન ખાતેના હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ઇસ્ટ અને વેસ્ટ ઝોનના હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસીપલ કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા તથા કોર્પોરેટરોઓ,પાર્ટીના હોદેદારઓ, શિક્ષણ સમિતિના સભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહેલ.
ત્રણેય ઝોન કચેરીમાં હેલ્પ ડેસ્ક શરૂ
નાગરિકોની સુવિધા માટે કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોન કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વના શુભ દિને હેલ્પ ડેક્સ શરૂ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા હેલ્પ ડેસ્કનો આરંભ કરવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટ અને ઇસ્ટ ઝોન ખાતે અધિકારીના હસ્તે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. જ્યાંથી નાગરિકોને અલગ-અલગ વિભાગની તથા સરકારી યોજના અંગે માહિતી મળી રહેશે.