તમામ હિન્દૂ મતદારો અગાઉ પાકિસ્તાનની ચૂંટણીમા મતદાન કરતા,  ભારતનું નાગરીકત્વ મલ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મત આપવાની તક મળી

દેશના સૌથી મોટા લોકશાહી પર્વમાં ગઈકાલે પ્રથમ વખત મતદાન કરીને ૫૧ વર્ષીય નંદલાલ મેઘવાણીની ખુશીનો પાર ન રહ્યો. ઘાટલોડિયા બૂથ પર તેઓ એકમાત્ર વ્યક્તિ હતા જેમણે પાકિસ્તાનમાં વોટ આપ્યા બાદ ભારતમાં પણ આપ્યો. થોડા દાયકા પહેલા હિંદુઓનું એક ગ્રુપ પાકિસ્તાનથી ભારત આવ્યું જેમાં મેઘવાણી પણ સામેલ છે. લગભગ ૧૦૦ જેટલા પાકિસ્તાનના પૂર્વ નાગરિકોએ અમદાવાદમાં પહેલીવાર મત આપ્યો. નંદલાલ મેઘવાણી ૨૦૦૧માં ભારત આવ્યા હતા, જોકે તેમને ૧૮ વર્ષ બાદ ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ.

મેઘવાણીની સાથે તેમના પરિવારના ચાર સભ્યોએ પણ મતદાન કર્યું.નંદલાલ મેઘવાણીએ કહ્યું, હું નસીબદાર છું કે મને ભારતમાં મત આપવાની તક મળી. આ દિવસને હું જિંદગીભર યાદ રાખીશ. હું પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં રહેતો હતો. બેનઝીર ભુટ્ટો જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યાં હતા એ વખતે મેં મારો છેલ્લો મત ત્યાં આપ્યો હતો. મેઘવાણીના ત્રણ બાળકોને હજુ સુધી ભારતમાં મતાધિકાર પ્રાપ્ત થયો નથી. સરદારનગરમાં રહેતા નાનકમલ ચંદવાની (૫૬ વર્ષ) અને તેમની પત્ની પુષ્પાબેને (૫૧ વર્ષ) ૨૦૦૦ની સાલમાં પાકિસ્તાનમાં મત આપ્યો હતો. પાકિસ્તાનના સિંધમાં આવેલા હૈદરાબાદથી તેઓ ૨૦૦૯માં ભારત આવ્યા. ૨૦૧૭માં તેઓ ભારતના નાગિરક બન્યા.

પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ ન આવતા તેઓ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં મત ન આપી શક્યા.નાનકમલ ચંદવાનીએ કહ્યું, અમે ભાગ્યશાળી છીએ કે અમને બે જુદા-જુદા દેશોમાં મત આપવાનો મોકો મળ્યો. ભારતના પ્રધાનમંત્રી પસંદ કરવા માટે મતદાન કરવું એ ભાવનાત્મક ક્ષણ હતી. ડો. રાજકુમાર જસરાનીની કહાણી પણ કંઈક આવી જ છે. ડો. જસરાની સરદારનગરમાં જ રહે છે અને ૨૦૦૯માં ભારત આવ્યા બાદ મંગળવારે પહેલીવાર મતદાન કર્યું. તેમને ૨૦૧૭માં ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું. આશરે ૫૦૦ લોકોએ ભારતીય નાગરિકતા મેળવવા માટે પાકિસ્તાનનું નાગરિકત્વ ત્યાગી દીધું, ડો. જસરાની તેમાંના જ એક છે. પાકિસ્તાન છોડીને આવેલા તમામ લોકો હજુ મતદારો બન્યા નથી.

૪૦ વર્ષીય ભરત ખેરવાની અને તેમની ૩૭ વર્ષીય પત્ની ખેમિના પાસે ભારતીય નાગરિકતા છે પરંતુ તેઓ મતદારો નથી. ૨૦૦૯માં તેઓ કરાંચીથી આવીને વેજલપુરમાં વસ્યા. જૂન ૨૦૧૮માં ભારતનું નાગરિકત્વ મેળવ્યું પરંતુ અરજીમાં ખામી હોવાના કારણે તેમના નામ હજુ મતદાર યાદીમાં આવ્યા નથી. ભરત ખેરવાનીએ જણાવ્યું, પાકિસ્તાનથી આવેલા ૧૫૦ જેટલા લોકો પાસે ભારતીય નાગરિકતા હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાં નથી. મહામહેનતને અંતે ભારતની નાગરિકતા મેળવી તેમ છતાં મત ન આપી શકવાને કારણે દુ:ખ થાય છે. ૧૯૯૦માં પાકિસ્તાનથી ભારત આવનાર ૪૨ વર્ષીય ડિમ્પલ વરિંદાની પોતાના ગૠઘ દ્વારા આવા લોકોની મદદ કરે છે. તેઓ ૨૦૧૭માં ભારતના નાગરિક બન્યા અને લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર મત આપ્યો. તેમના પતિ ભાારતીય છે. ડિમ્પલે કહ્યું, મને ખુશી છે કે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શકી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.