વિરાટ કોહલીએ બેટિંગ કર્યા વિના ‘સેન્ચુરી’ મારી છે ! જી હા, આ સાચી વાત છે. કેમ કે તેણે વન-ડેમાં કુલ ૧૦૦ કેચ ઝડપ્યા છે. આ તેની વધુ એક ‘વિરાટ’ સિદ્ધિ છે. હંમેશા કિટ રહેતો વિરાટ કોહલી બેટિંગમાં જેટલી આક્રમકતા બતાડે છે તેથી અનેકગણી વધુ ચપળતા તે મેદાન પર ફિલ્ડીંગ વખતે દાખવે છે તેની બાજુમાંથી મજાલ છે કે બોલ પાસ થઈ જાય. તે રન તો રોકે જ છે સાથો સાથ તે ડાઈવ મારીને કેચ પણ ઝડપી લે છે. તેણે કુલ ૧૦૦ કેચ ઝડપીને બેટિંગ કર્યા વિના જ ‘સેન્ચુરી’ મારી છે. હવે તો માની ગયાને.
ધેર ઈઝ અ વુમન બિહાઈન્ડ એવરી સકસેસફુલ મેન
કોહલીને ‘વિરાટ’ બનાવવામાં અનુષ્કાનો શ્રેય!!!
વિરાટ કોહલીએ તાજેતરમાં ૩૫મી સદી ફટકારી છે. તેણે પોતાની તમામ સફળતાનો શ્રેય વાઈફ-સિનેસ્ટાર અનુષ્કા શર્માને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક તબકકે વિરાટ કોહલી ફોર્મમાં ન હતો ત્યારે ટીકાકારોએ માછલા ધોતા કહ્યું હતું કે, અનુષ્કા સાથેની પ્રેમ કહાનીને કારણે વિરાટનું ધ્યાન ભટકી ગયું છે અને તેની રમત પર ખરાબ અસર પડી રહી છે. જોકે ત્યારે સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપીલદેવ, અતુલ વાસન વિગેરે કોહલીની વ્હારે ધસી ગયા હતા તેમણે ટીકાકારોને કોહલીના નબળા સમયે મોઢે તાળા મારવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેને સમયની જરૂર છે. અનુષ્કાને આમાં નાહકની ઢસડો નહીં. જોકે કહે છે ને કે ધેર ઈઝ અ વુમન બિહાઈન્ડ એવરી સકસેસફુલ મેન. તેમ અત્યારે વિરાટ ફુલ ફોર્મમાં છે અને પોતાને ‘વિરાટ’ બનાવવાનો શ્રેય કે ક્રેડીટ પત્ની અનુષ્કા શર્માને આપે છે. અવાર નવાર તે કહી ચુકયો છે કે મને ધરમુળથી બદલવામાં અનુષ્કાનો હાથ છે. તેણે મને ભટકતા અટકાવ્યો નહીંતર હું કયારનો છકી ગયો હોત અને ચકાચોંધમાં ખોવાઈ ગયો હોત.
કોહલીની રેકોર્ડબ્રેક ‘મેરેથોન’!
વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક અને રેકોર્ડબ્રેક ‘મેરેથોન’ હજુ જારી જ છે. તેણે ૧૦૦ કેચ ઝડપ્યા, ૩૫ સેન્ચુરી મારી એટલું જ નહીં તેની સિદ્ધિ ‚પી તાજમાં વધુ એક પીછાનું છોગુ ઉમેરાયું છે તેણે ઉપરા ઉપરી બે વન-ડે શ્રેણીમાં ૫૦૦થી વધુ રન ફટકાર્યા છે અને આમ કરનારો તે વિશ્ર્વનો પ્રથમ બેટધર બની ગયો છે. અગાઉ સચિન તેંડુલકરે કહ્યું હતું કે, અગર મારા રેકોર્ડની આસપાસ કોઈ ફરકી શકે અગર તોડી શકે તેમ છે તો તે માત્ર ને માત્ર વિરાટ જ છે. તેની વિરાટ સિદ્ધિનું શું કહેવું.
તાજેતરમાં આફ્રિકા સામેની શ્રેણી અને અગાઉ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેણે ૫૦૦થી વધુ રનનો અંગત જુમલો નોંધાવ્યો હતો. અત્યારે તે ઘણી કંપનીને એન્ડોર્સ કરે છે અને ઘણી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે. આ સિવાય, તેણે સાબિત કરી દીધું છે કે કોઈ તેને રોકી શકે તેમ નથી. ટેસ્ટમાં નબળી શ‚આત બાદ ટીકાકારો ટીકા કરવા શ‚ થઈ ગયા હતા પરંતુ ફોકસ કરવામાં માનતો વિરાટ જવાબ આપવા તૈયાર હતો આફ્રિકાની પ્રતિકુળ પીચ પર તેણે યજમાન ટીમને બરાબરનો જવાબ વાળ્યો. તેણે બદબોઈ કરનારા લોકોની બોલતી બંધ કરી દીધી છે. આફ્રિકાનો વન ડેમાં નં.૧નો ‘તાજ’ છીનવી લીધો છે.