રાજકોટ એસ.ટી.ને વધારાની ૩૦ લાખની આવક થશે

રાજયમાં બીજા તબકકાની ચુંટણી આવતીકાલે યોજાનાર છે ત્યારે ચુંટણી કામગીરીની ફરજ પર રોકાયેલા કર્મચારીઓને લાવવા મુકવા માટે રાજકોટ એસ.ટી.એ ૧૦૦ બસો ફાળવી છે. જેના પગલે એસ.ટી. ડીવીઝનને વધારાની રૂ ૩૦ લાખની આવક થનાર છે. વધારાની બસોને કારણે એસ.ટી. તંત્રને મોટી માત્રામાં આવક થતી હોય છે. અને હજુ કાલની ચુંટણી બાદ પણ ૧૮મીએ મત ગણતરી છે ત્યારે પણ બસો દોડાવવામાં આવશે.

પ્રથમ તબકકાની ચુંટણી રાજકોટ એસ.ટી. ડીવીઝનને સારી રીતે ફળી છે. આ મામલે રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની  ચુંટણી દરમિયાન ૮મી અને ૯મી ડીસેમ્બરે ૧૦૦ જેટલી બસો ફાળવવામાં આવી હતી જેને પગલે રૂ ૩૦ લાખની આવક થવા પામી છે. અને હવે જયારે આવતીકાલે બીજા તબકકાની ચુંટણી યોજવાની છે.ત્યારે આજે જ ૧૦૦ જેટલી બસો ચુંટણી કામગીરી માટે મોકલી દેવામાં આવી છે.

આ બસો ચુંટણી કામગીરી ફરજ પર આવેલા કર્મચારીઓને લાવવા-મુકવા તેમજ એ.વી.એમ. અને વી.વીએમ મશીનને મતદાન મથક સુધી પહોચાડવામાં મદદરુપ  થશે. આ ૧૦૦ બસોની ફાળવણી પહેલા જ ચુંટણી તંત્રએ એસ.ટી.ને ભાડુ મોકલી આપ્યું હતું. અને ૧૦૦ જેટલી બસમાં એક બસનું ભાડુ રૂ ૩૦ હજાર નકકી કરવામાં આવ્યું છે. જેથી ચુંટણી ફરજ પર ગયેલી બસો પણ ડિવીઝનને વધારાની રૂ ૩૦ લાખની આવક નીપજી છે. અને પ્રથમ તબકકા અને બીજા તબકકા એમ બન્ને થઇને કુલ ૨૦૦ બસો ફાળવવામાં આવી છે. જેથી રાજકોટ એસ.ટી. ડીવીઝનને વધારાની રૂ ૬૦ લાખની આવક પ્રાપ્ત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.