સરકારી સબસિડી-સહાય, લોન સહાયની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ
એક તરફ કેન્દ્રીય બજેટમાં કારીગરોને પ્રોત્સાહન માટે વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના જાહેર કરાતી હતી, એ જ સમયે રાજકોટમાં આર્ટિઝન કાર્ડ ધરાવતા કારીગરો માટે કેશ-ક્રેડિટ કેમ્પ, લોનમેળો ચાલી રહ્યો હતો. જેમાં જિલ્લામાંથી 100 જેટલા આર્ટિઝન કાર્ડધારક કારીગરો હાજર રહ્યા હતા. આ મેળામાં વિવિધ સરકારી સહાય યોજનાઓ, લોન સહાયની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. કારીગરોને અરજીમાં મદદ કરવા હેલ્પડેસ્ક પણ અહીં રાખવામાં આવ્યું હતું.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, હસ્તકલા સેતુ સોસાયટીના ઉપક્રમે આજે, બહુમાળી ભવન ખાતે કેશ-ક્રેડિટ કેમ્પ, લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કેમ્પના પ્રારંભ બાદ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અનેક કારીગરો હસ્તકલા સાથે જોડાયેલા છે. ધંધા-વ્યવસાયના વિકાસ માટે જ્યારે મૂડીની જરૂર હોય છે. આ મૂડી માટે કારીગરો વ્યાજના ચક્કરમાં ના પડે અને તેઓને સરળતાથી બેન્ક લોન મળે, સરકારી સહાય અને સબસિડીનો લાભ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.
સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સી.એન. મિશ્રાએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત વિચરતી જાતિ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. જ્યારે પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ. જનકાતે કહ્યું હતું કે, ઘણા લોકો ધંધા-રોજગાર માટે નાણા મેળવવા વ્યાજના ચક્કરમાં પડે છે. તેમણે સરકારી યોજનાઓ, બેન્કો દ્વારા સરળતાથી અપાતી લોનનો લાભ લેવા અને કોઈને વ્યાજના ચક્કરમાં ના પડવા અપીલ કરી હતી. આ કેમ્પમાં કારીગરોને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, પી.એમ.ઈ. જી.પી. યોજના તેમજ બેન્કો દ્વારા અપાતી લોનની માહિતી આપવામાં આવી હતી.
લાલભાઈ તેમજ સચિનભાઈએ કારીગરોને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું માર્કેટિંગ કેમ કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન હસ્તકલા સેતુ સોસાયટીના નિરવ ભાલોડિયાએ કર્યું હતું.