ભક્તિભાવ અને શ્રધ્ધા શક્તિ તથા આરાધના અને મનોકામના સંગમ સમાન દ્વારકાધીશજીના ધ્વજાજી આહોરણનું જગત મંદિરમાં વિષેશ રૂપે સ્થાન છે. જેથી લઇને દેશ-વિદેશના ભાવિક ભક્તોને આગામી દશ વર્ષમાં ધ્વજાજીનું તેમની શ્રધ્ધા મુજબનું વર્ષ અને તારીખ તિથિ પ્રમાણોનું એડવાન્સ બુકીંગ કરી શકે તેવા હેતુસર ધ્વજાજીના બુકીંગની વ્યવસ્થા સંભાળતી અત્રેની ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બુકીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
10 વર્ષ માટે 11 હજાર ધ્વજાજી માટે 21 હજાર ફોર્મ આવ્યા: પારદર્શક ડ્રો કરાયો
તા.11 સપ્ટે.થી 14 સુધી પ્રથમ ચરણમાં ગુગળી સમાજના કાર્યાલયથી ધ્વજાજીના બુકીંગ માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાર દિવસના ફોર્મના વિતરણની પ્રક્રિયાના અંતે એકવીશ હજાર ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી અગ્યાર હજાર ધ્વજાજીના 10 વર્ષના બુકીંગ માટે માતબર ફોર્મ સાથે અરજીઓ આવતા ગુગળી જ્ઞાતિએ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને ગુગળી જ્ઞાતિના કાર્યાલયમાં સમાજ 11 બાળાઓના હસ્તે ડ્રોની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ખૂબ જ પારદર્શકતા અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી ડ્રોની પ્રક્રિયા જાહેર જનતા અને જ્ઞાતિજનો તથા ગુગળી જ્ઞાતિના વ્યવસ્થાપક સમિતિની હાજરીમાં કરવામાં આવી હતી. જ્ઞાતિના પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, ઉપપ્રમુખ ચૈતન્યભાઇ તથા મહામંત્રી કપીલભાઇ વાયડા અને સહમંત્રી જીતુ ઠાકરએ ધ્વજાજીના બુકીંગ પ્રક્રિયાનું માળખું ગોઠવેલ હતું. જેમાં ગુગળી જ્ઞાતિના અગ્રણી ધારાશાસ્ત્રી પ્રદિપભાઇ ઉપાધ્યાયનો પણ સહયોગ સાંપડેલ હતો. સંપૂર્ણ સંતોષકારક અને ભક્તોની માંગ મુજબની ડ્રોની કામગીરી છેલ્લા 80 કલાકથી અવિરત ચાલી રહી છે.
હવે દ્વારકાધીશને રોજ પાંચના બદલે છ ધ્વજા ચઢશે
તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ જગત મંદિરના શિખર ઉપર પાંચ બદલે ભાવિકોની માંગને ધ્યાનમાં રાખી છઠ્ઠા ધ્વજાની શંકરાચાર્ય શ્રી સદાનંદજી મહારાજએ તરફેણ કરતા દેવસ્થાન સમિતિની બેઠકમાં છઠ્ઠા ધ્વજાના આહોરણનો નિર્ણય લેવાયો હતો. હાલમાં 10 વર્ષના બુકીંગ કરાયેલ ધ્વજામાં સવાર ધ્વજાજી તથા સાંજના એક ધ્વજાજીનું બુકીંગનો સમાવેશ થયો છે. જ્યારે રોજ સવાર એક અને સાંજે એક ધ્વજાજીનું બુકીંગ 30 દિવસ અગાઉ દર માસે ગુગળી જ્ઞાતિ કાર્યાલયમાં અરજી ફોર્મ સ્વીકારીને ડ્રોની પધ્ધતિ મુજબ બુકીંગ થશે.