ટીવીમાં ક્રાઇમ પેટ્રોલ જોવાની શોખીન 10વર્ષની માસૂમે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-2માં રહેતા કપિલભાઇ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદમાં પુત્રીને બેભાન હાલતમાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.તરુણીને પરિવારજનો હવનમાં ન લઈ જતા આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કપિલભાઇની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. 10 વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.5માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે. દરમિયાન રવિવારે નાનામવામાં રહેતા કૌટુંબિકને ત્યાં હવનનો પ્રસંગ હોય ત્યાં જવા માટે બધા તૈયાર થયા હતા. ત્યારે ખુશાલીને તૈયાર થવાનું કહેતા તેને સાથે આવવાની ના પાડી દીધી હતી. જીદ્દી સ્વભાવની પુત્રી ખુશાલીને સાથે આવવાનું કહેવા છતાં તેને આવવાની ના પાડતા પોતે, પત્ની અને બે સંતાનને લઇ હવનના ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.
બાદમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા દરવાજો બંધ હતો. ઘણી વાર દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતા ઘરની પાછળની બારીએ જોવા ગયા હતા. ત્યારે પુત્રી ખુશાલીને લટકતી હાલતમાં જોઇ હતી. બાદમાં તુરંત દરવાજો તોડી પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા પુત્રીનું મોત નીપજ્યું હતું. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે,મૃતક તરૂણી ટીવીમાં ક્રાઇમ પેટ્રોલ જોવાની શોખીન હતી અને તે જોઈને જ ગળાફાંસો ખાવાનું શીખ્યાનું તપાસમાં જાણવા મળ્યું છે.